સાણંદમાં 1000 જેટલી કાપડની થેલીઓનું વિતરણ માનવસેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું
સાચા અર્થમાં માનવસેવાનું કામ કરતું સાણંદનું માનવસેવા ટ્રસ્ટ
લોકોના સહિયારા પ્રયાસોથી પ્લાસ્ટિક મુક્ત સાણંદ બનાવવાનો ધ્યેય
‘કાપડની થેલી, સ્વચ્છતાની સહેલી’. આપણા રોજબરોજના જીવનમાં આપણે પ્લાસ્ટિકના ઉપયોગથી એટલા ટેવાઈ ગયા છે ત્યારે સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂક્યા બાદ પણ બજારોમાં સરળતાથી અને બેરોકટોક પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ યથાવત છે. આ પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓના વપરાશ પર અંકુશ લાવવા માટે સ્થાનિક વહીવટી તંત્ર પ્રયત્નશીલ હોય છે. Manavseva trust sanand cotton bag distribution
2જી ઓક્ટોબર 2024નાં રોજ મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનોનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2024માં સ્વચ્છ ભારત મિશનનાં 10 વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે સમગ્ર દેશમાં 2જી ઓકટોબરને સ્વચ્છ ભારત દિવસ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્લાસ્ટિક મુક્ત ભારત એટલે સ્વચ્છ ભારત.
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકા ખાતે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું કામ કરતી સંસ્થા માનવસેવા ટ્રસ્ટ દ્વારા સાણંદ ખાતે ‘પર્યાવરણ બચાવો’ના સંદેશ સાથે શાક માર્કેટમાં પ્લાસ્ટિકની થેલીઓમાં શાકભાજી ખરીદતા વ્યક્તિઓને પ્લાસ્ટિકથી પર્યાવરણ અને માનવજાતને થતાં નુકસાન વિષે સમજાવીને પ્લાસ્ટિકની થેલીના બદલે કાપડની થેલીનો વપરાશ કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સાથે જ, માનવસેવા ટ્રસ્ટ દ્વારા સ્થાનિક શાક માર્કેટમાં 1000 જેટલી કાપડની થેલીઓનું વિતરણ કરી સાચા અર્થમાં માનવસેવાનું કામ કરવામાં આવ્યું હતું.
સ્થાનિક વહીવટી વિભાગ અને સેવાભાવી સંસ્થાઓના આ પ્રકારના પ્રયત્નોથી લોકોને જાગૃત કરવામાં આવે તો સ્વચ્છ ભારતનું સ્વપ્ન જલદી જ સાકાર થતું જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે, માનવસેવા દ્વારા ઘણા સમયથી સાણંદને પ્લાસ્ટિક મુક્ત કરવા માટેના વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરકાર, પ્રજા અને સાથે માનવસેવા ટ્રસ્ટ જેવી સેવાભાવી સંસ્થાઓના સહિયારા પ્રયાસોથી ટૂંક સમયમાં સાણંદ પણ ‘સ્વચ્છ સાણંદ’ના વિશેષણથી ઓળખાશે.