માંડલ ખાતે ડિજિટલ ક્રોપ સર્વે અંતર્ગત સર્વેયરની તાલીમ યોજાઈ
તાલુકાના 40 જેટલા સર્વેયરને આઈ.ટી.આઈ, માંડલ ખાતે આપવામાં આવી તાલીમ
રાજ્યમાં કૃષિ ક્ષેત્રે ડિજિટલાઇઝેશન ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. રાજ્યના ખેડૂતોના પાક વાવેતરના રિયલ ટાઈમ ડેટા મેળવવા માટે એગ્રીસ્ટેક એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે.
રાજ્યમાં ખેડૂતો માટે ટેકાના ભાવ સહિત કૃષિ ક્ષેત્રની નવી યોજનામાં ઘડવામાં સરળતા મળી રહે તે માટે તેમજ નુકસાની સમયે ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે તે હેતુસર કૃષિ ક્ષેત્રમાં ડિજિટલાઇઝેશન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
ચાલુ વર્ષે રાજ્ય સરકારના ડિજિટલ ક્રોપ સર્વે અંતર્ગત માંડલ તાલુકામાં ક્રોપ સર્વેની કામગીરી સંદર્ભે તાલુકાના અંદાજે 40 જેટલા સર્વેયરને કૃષિ ખાતા દ્વારા આઈ.ટી.આઈ, માંડલ ખાતે તાલીમ આપવામાં આવી હતી.
તાલીમ અંતર્ગત સર્વેયરોને આગામી સિઝનમાં ડિજિટલ ક્રોપ સર્વે અંતર્ગત કરવાની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સર્વેયરોને Agristack એપ્લિકેશનમાં પોતાના એકાઉન્ટ ક્રિએટ કરવા તેમજ જે તે સર્વે નંબર પર જઈ કેવી રીતે સર્વે કરવો તથા કઈ બાબતો ધ્યાનમાં રાખવી તે વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.