અંગ્રેજોએ કરેલા ગોળીબારમાં માનગઢમાં 1500 આદિવાસીઓ શહીદ થયા હતા
ઇતિહાસમાં દબાયેલી સૌથી મોટી કુરબાની ગુજરાત-રાજસ્થાનની બોર્ડર પર અરવલ્લી પર્વતમાળામાં દબાયેલી છે. આશરે 100 વર્ષ પહેલાં 17 નવેમ્બર,1913માં બનેલી આ ઘટના એક કરુણ આદિવાસી નરસંહાર હતો.
આ નરસંહાર 13 એપ્રિલ 1919માં પંજાબમાં થયેલા જલિયાવાલા બાગ નરસંહાર સાથે મેળ ખાય છે.જેમાં અંગ્રેજ જનરલ ડાયરના આદેશ પર પોલીસે 379 લોકોને ગોળીઓથી વીંધી નાખ્યા હતા પરંતુ રાષ્ટ્રવાદી ઇતિહાસકારોની વાત માનો તો માર્યા ગયેલા લોકોની સંખ્યા 1000થી વધારે હતી.
જ્યારે માનગઢમાં ભીલોના મૌખિક ઇતિહાસ પર ભરોસો કરવામાં આવે તો માનગઢ ટેકરી પર અંગ્રેજ સેનાએ આદિવાસી નેતા અને સમાજ સુધારક ગોવિંદગુરુના 1500 સમર્થકોને ગોળીઓથી વીંધી નાખ્યા હતા.
રાજસ્થાનના ડુંગરપુર પાસેના વેદસા ગામના વતની ગોવિંદગુરુ વણઝારા સમુદાયના હતા. તેમણે 19મી સદીના અંત ભાગમાં ભીલોના સશક્તિકરણ માટે ‘ભગત આંદોલન’ ચલાવ્યું હતું. જેનો મુખ્ય હેતુ ભીલોએ શાકાહાર અપનાવવો તેમજ દરેક પ્રકારના નશીલા પદાર્થોથી દૂર રહેવાનું હતું.
ગોવિંદગુરુથી પ્રેરાઈને ભીલોએ અંગ્રેજોની દમનકારી નિતિઓનો અને વાંસવાડા, સંતરામપુર,ડુંગરપુર અને કુશળગઢના રજવાડાઓ દ્વારા જબરદસ્તી કરાવવામાં આવતી ગુલામપ્રથાનો વિરોધ કર્યો.
આઝાદી કા અમૃત મહોત્સવના ભાગ રૂપે, સરકાર દ્વારા સ્વતંત્રતાના સંગ્રામના બલિદાન આપનારા અસંખ્ય આદિવાસી નાયકોને અંજલી આપવા માટે અનેક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે.
દર વર્ષે 15 નવેમ્બર (આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની જન્મજયંતિ)ને ‘જનજાતિય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાનો નિર્ણય, આદિવાસી લોકોએ સમાજમાં આપેલા યોગદાનને બિરદાવવા માટે અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમના બલિદાન વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે દેશભરમાં આદિવાસી સંગ્રહાલયોની સ્થાપના વગેરે પગલાંઓનો તેમાં સમાવેશ થાય છે.
આ દિશામાં લેવામાં આવેલા વધુ એક પગલા તરીકે, પ્રધાનમંત્રી સ્વતંત્રતા સંગ્રામના અસંખ્ય આદિવાસી નાયકો અને શહીદોના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજસ્થાનના બાંસવાડા ખાતે માનગઢ હિલમાં યોજાયેલા જાહેર કાર્યક્રમ – ‘માનગઢ ધામ કી ગૌરવ ગાથા’માં ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી ભીલ સ્વાતંત્ર્ય સેનાની શ્રી ગોવિંદ ગુરુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને ભીલ આદિવાસીઓ તેમજ પ્રદેશની અન્ય આદિવાસી વસ્તીના જનસભાને સંબોધન પણ કર્યું હતું.
માનગઢ હિલ વિશેષરૂપે ભીલ સમુદાય અને રાજસ્થાન, ગુજરાત તેમજ મધ્યપ્રદેશની અન્ય જનજાતિઓ માટે મહત્વ ધરાવે છે. સ્વતંત્રતાના સંગ્રામ દરમિયાન ભીલો અને અન્ય જનજાતિઓ અંગ્રેજો સામે લાંબી લડાઇમાં જોડાયેલા હતા ત્યારે, 1.5 લાખથી વધુ ભીલોએ 17 નવેમ્બર 1913ના રોજ માનગઢ હિલ ખાતે શ્રી ગોવિંદ ગુરુના નેતૃત્વમાં રેલી કાઢી હતી.
અંગ્રેજોએ આ મેળાવડા પર ગોળીબાર કર્યો, જેના કારણે માનગઢ હત્યાકાંડ થયો હતો અને તેમાં આશરે 1500 આદિવાસીઓ શહીદ થયા.