Western Times News

Gujarati News

Morbi: બજારોમાં કેરીનું આગમન પરંતુ ભાવ આસમાને

મોરબી, ફાગણ મહિનો ચાલુ છે ત્યાં જ મોરબીમાં મીઠી મધુરી ફળોની રાણી કેસર અને રત્નાગીરી હાફુસ કેરીની ધમાકેદાર એન્ટ્રી થઇ ચુકી છે, હાલમાં હજુ કેરીની સીઝનની શરૂઆત જ હોય કેસર અને હાફુસ કેરી રૂપિયા ૩૫૦થી ૪૦૦ પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે છતાં પણ ખટમીઠાં સ્વાદના શોખીન મોરબીના મોજીલા લોકો હોંશભેર મોંઘા ભાવની કેરી ખરીદી રહ્યા છે.

સામાન્ય રીતે અડધો માર્ચ મહિનો વિત્યા બાદ કેરીની સીઝન શરૂ થતા રત્નાગીરી હાફુસ, વલસાડી હાફુસના આગમન સાથે કેરીની સીઝન શરૂ થતી હોય છે અને એપ્રિલ – મે મહિનામાં ગીરની સુપ્રસિદ્ધ કેસર કેરી માર્કેટમાં આવતી હોય છે પરંતુ ઓણસાલ મોરબીમાં માર્ચના શરૂઆતના ભાગમાં જ રત્નાગીરી હાફુસ અને કેસર કેરીનું સહિયારું આગમન થયું છે.

મોરબીના કેરીના શોખીન હાર્દિકભાઈ પટેલ કહે છે કે ઉનાળો આવે અને કેરીની સીઝન શરૂ થાય ચેટલે કેરી તો ખાવાની જ ભલે ગમે એટલા ભાવ હોય. મોરબીના રવાપર રોડ ઉપર આવેલ રાજકોટ ફ્રૂટ સ્ટોરના માલિક હર્ષદભાઈ સેજપાલ અને નિલેશ સેજપાલ કહે છે કે ચાલુ વર્ષે રત્નાગીરી હાફુસ અને કેસર કેરી છેલ્લા પંદરેક દિવસથી મોરબીમાં આવી ગઈ છે, જાે કે, સિઝનની શરૂઆત હોય હાલમાં હાફુસ અને કેસર કેરી પ્રતિ કિલોગ્રામ રૂપિયા ૩૫૦થી ૪૦૦ના ભાવે વેચાઈ રહી છે.

કેરીના વેપારી હર્ષદભાઈ ઉમેરે છે કે, આ વર્ષે સીઝનની શરૂઆતમાં જ હાફુસ અને કેસરનો સ્વાદ અનેરો છે અને મોંઘા ભાવ હોવા છતાં ગ્રાહકોની કોઈ ફરિયાદ નથી. જાે કે ફળોની રાણીના ભાવ ઉંચા હોવા છતાં મોરબીના સ્વાદ શોખીનો હોંશે-હોંશે ૩૫૦થી ૪૦૦ રૂપિયા ખર્ચીને પણ કેરીનો સ્વાદ માણી રહ્યા છે અને આગામી પંદરેક દિવસ બાદ લોકોને નીચા ભાવે કેરીનો સ્વાદ માણી શકશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.