Western Times News

Gujarati News

વડોદરા બાદ હવે માંગરોળમાં સગીરા પર મોડી રાત્રે દુષ્કર્મ થતાં ચકચાર

સગીરાના મિત્રને મારી ભગાડી દીધા બાદ અવાવરું જગ્યામાં દુષ્કર્મ્‌ આચરવામાં આવ્યું ઃ ગેંગરેપ થયો હોવાની આશંકા

(એજન્સી) સુરત, વડોદરામાં સગીરા પર થયેલા ગેંગરેપના પડઘા હજુ શાંત નથી પડ્યા કે સુરતના માંગરોળમાં વધુ એક સગીરાને હેવાનોએ પીંખી નાખતા ભારે ચકચાર મચી ગઈ છે. માંગરોળના બોરસરા ગામે એક સગીરા પર ગેંગરેપ કરવામાં આવ્યો છે. સગીરા સાથે રહેલા યુવકને હેવાનોએ માર મારીને ભગાડી દીધો હતો અને બાદમાં તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો.

સુરતના માંગરોળ તાલુકાના બોરસરા ગામમાં રહેતી સગીરા રાત્રિના સમયે તેના એક મિત્ર જોડે ઉભી હતી ત્યારે ત્રણ અજાણ્યા ઈસમો ત્યાં આવ્યા હતા. અજાણ્યા ઈસમોએ સગીરા સાથેના યુવકને ઢોર માર મારીને ત્યાંથી ભગાડી દીધો હતો ત્યાર બાદ સગીરાને નજીકની અવાવરું જગ્યા પર લઈ ગયા હતા ત્રણ પૈકી એક યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું જયારે અન્ય બે ઈસમોએ દુષ્કર્મ આચર્યું હતું કે નહી તે અંગે તપાસ થઈ રહી છે.

ગેંગરેપ થયો હોવાની શંકાના લીધે મોડી રાત્રે સુરત રેન્જ આઈજી, સુરત જિલ્લાના એસપી, લોકલ ક્રાઈમ બ્રાંચ, એસઓજી, સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો, જયારે ડોગ સ્કવોડ અને એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોચી ગઈ હતી. કોસંબા પોલીસે આ મામલે રેપનો ગુનો નોંધીને સગીરાને હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે મોકલી આપી છે.

પોલીસ હાલ ઈજાગ્રસ્ત યુવકનું નિવેદન તેમજ પીડિતાના પરિવારના નિવેદનો નોંધી રહી છે જયારે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે રાજયમાં હાલ નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે મહિલાઓ અને યુવતીઓ મોડે સુધી ઘરની બહાર ગરબે રમવા નીકળે છે.

પોલીસની ટીમ તો મહિલાઓ તેમજ યુવતીઓની સુરક્ષા કરે છે તેમ છતાંય ક્યાંકને ક્યાંક હેવાનો પોતાના ઈરાદા પાર પાડવામાં સફળ થઈ જાય છે.
નવરાત્રીમાં વડોદરાના ભાયલીમાં સગીરા પર અજાણ્યા શખ્સોએ દુષ્કર્મ આચર્યું હતું પોલીસે આ મામલે તમામ હેવાનોની ધરપકડ કરી હતી

ત્યારે મોડી રાત્રે માંગરોળમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ થયું હોવાનો કિસ્સો સામે આવ્યો છે પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. દુષ્કર્મ કે ગેંગરેપ જેવી ઘટનાઓથી બચવા માટે મોડી રાત્રે કોઈ અવાવરું જગ્યા ઉપર ન જવાનું પોલીસ સૂચન કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.