Western Times News

Gujarati News

મણિનગર, લાંભા અને દાણીલીમડામાં કોલેરાનો કહેર

AI Image

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોલેરાનો કહેર વધી રહયો છે. બેરોકટોક વેચાણ થઈ રહેલ બિન આરોગ્યપ્રદ આહારના કારણે ઝાડા-ઉલટી, કમળો અને કોલેરા જેવા જીવલેણ રોગના કેસ સતત વધી રહયા છે તેમાં પણ ચાલી અને ઝુંપડપટ્ટી વિસ્તારમાં કોલેરાનો પ્રકોપ જોવા મળે છે.

શહેરના દક્ષિણ ઝોન કોલેરાનું એપી સેન્ટર બની રહયું છે. ઝોનના દાણીલીમડા ઉપરાંત લાંભા, ઈસનપુર અને મણિનગર વોર્ડમાંથી પણ કોલેરાના કેસ કન્ફર્મ થઈ રહયા છે. જયારે ડેન્ગયુ કેસમાં સામાન્ય નિયંત્રણ આવ્યું છે.

શહેરના દક્ષિણ ઝોનમાં આવેલ દાણીલીમડા વોર્ડ કોલેરાના સકંજામાં આવી ગયો છે. માર્ચ મહિનામાં એક જ દિવસમાં ૬ કેસ કન્ફર્મ થયા બાદ એપ્રિલમાં પણ વધુ નવા ૩ કેસ દાણીલીમડામાં નોંધાયા છે. જેમાં નાની ઉંમરના બાળકોની સંખ્યા વધારે છે. દાણીલીમડામાંથી કન્ફર્મ થયેલ કોલેરાના કેસના દર્દીઓને એલ.જી.હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે

જયારે એક દર્દીને મણિનગરની સરદાર પટેલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દક્ષિણ ઝોનના મણિનગર વોર્ડમાંથી પણ ૧૧ એપ્રિલે કોલેરાના ર કેસ નોંધાયા છે. જેમાં ૬૦ વર્ષીય પુરૂષ અને એક ર૪ વર્ષની યુવતિનો સમાવેશ થાય છે. બંને દર્દીને એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત ઈસનપુર વિસ્તારમાં ૧૮ વર્ષના એક યુવાનને કોલેરા થયો હતો

જેને એલ.જી.હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ૧૧ એપ્રિલે બોડકદેવ વિસ્તારમાંથી પણ કોલેરાનો એક કેસ બહાર આવ્યો છે. દર્દીની ઉ.પ૭ વર્ષ છે જેમને ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.

શહેરમાં ર૦રપના વર્ષ દરમિયાન કોલેરાના કુલ રર કેસ નોંધાયા છે જે પૈકી રર કેસ પૂર્વ પટ્ટામાંથી કન્ફર્મ થયા છે. અત્રે નોંધનીય છે કે ર૦ર૪ના વર્ષ દરમિયાન કોલેરાના ર૦પ કેસ કન્ફર્મ થયા હતાં તેમ છતાં તંત્ર ર૦રપમાં પણ નિષ્ક્રિય જોવા મળી રહયું છે.

અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો થોડાઘણા અંશે નિયંત્રણમાં આવ્યો છે. છેલ્લા સપ્તાહ દરમિયાન ડેન્ગયુના માત્ર ૪ કેસ નોંધાતા તંત્રને હાશકારો થયો છે. ચાલુ વર્ષ દરમિયાન ડેન્ગયુના કુલ ૧૦૦ કેસ નોંધાયા છે. જેમાં પ૪ પુરૂષ અને ૪૬ મહિલાનો સમાવેશ થાય છે.

ડેન્ગયુના કુલ દર્દીઓ પૈકી પ૦ ટકા દર્દી ૧૪ વર્ષથી નીચેની વયના છે. શહેરના પૂર્વ ઝોનમાં ડેન્ગયુના ૩૯ અને દક્ષિણ ઝોનમાં ૩૬ કેસ નોંધાયા છે. ચાલુ વર્ષ દરમિયાન સાદા મેલેરિયાના ૪૧, ઝેરી મેલેરિયા ૮, અને ચિકનગુનિયાના ૭ કેસ નોંધાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.