મણિપુરમાં ફરી હિંસા શરૂ: મુખ્યમંત્રીના ઓડિયો પર ભડક્યો કૂકી સમુદાય
કૂકી સમુદાયના લોકોએ ચુરાચંદપુર જિલ્લાના અનેક વિસ્તારોમાં રેલીઓ યોજી
(એજન્સી)મણિપુર, મણિપુરમાં ફરી એકવાર તણાવ વધતો જોવા મળી રહ્યો છે. કુકી સમુદાયે આદિવાસી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં ત્રણ રેલીઓ કાઢી હતી. આ રેલીઓમાં લોકો અલગ વહીવટી તંત્રની માંગ પર અડગ દેખાયા.
લોકોએ મુખ્યમંત્રી એન બિરેન સિંહની કથિત ઓડિયો ક્લિપનો પણ વિરોધ કર્યો, જેમાં કેટલીક વાંધાજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી. કૂકી સમુદાયના લોકોએ ચુરાચંદપુર જિલ્લાના લેઇશાંગ, કાંગપોકપીના કૈથેલમંબી અને તેંગનોપલના મોરેહમાં રેલીઓ યોજી હતી.
શનિવારે ચુરાચંદપુર જિલ્લામાં ભાજપના રાજ્ય એકમના પ્રવક્તા માઈકલ લામજાથાંગના પૈતૃક ઘરને અજાણ્યા લોકોએ આગ લગાવી દીધી હતી. હુમલા દરમિયાન તુઇબોંગ સબડિવિઝનના પેનિયલ ગામમાં એક ઘરના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી કારને પણ આગ ચાંપી દેવામાં આવી હતી.
ગયા અઠવાડિયે પણ આ ઘર પર હુમલો થયો હતો. પોલીસે જણાવ્યું કે ચુરાચંદપુર જિલ્લાના ડેપ્યુટી કમિશનર ધરુણ કુમાર એસએ જિલ્લા પોલીસ અધિક્ષકને પત્ર લખીને તપાસ હાથ ધરવા અને શક્ય તેટલી વહેલી તકે રિપોર્ટ સબમિટ કરવા જણાવ્યું છે. મુખ્યમંત્રી એન બિરેન સિંહે પણ લમજથાંગના ઘર પરના “ત્રીજા” હુમલાની આકરી ટીકા કરી હતી.
ચુરાચંદપુરમાં આ રેલી લેઇશાંગના અેંગ્લો કુકી વોર ગેટથી શરૂ થઈ હતી. કુકી-જો સમુદાયના વિદ્યાર્થીઓ દ્વારા યોજાયેલી રેલીને ધ્યાનમાં રાખીને જિલ્લામાં તમામ બજારો અને શાળાઓ બંધ રખાઈ હતી. દરમિયાન, કમિશનર (ગૃહ) એન અશોક કુમારે લોકોને વ્યવસાયિક સંસ્થાનો અને ખાનગી સંસ્થાનો ખુલ્લી રાખવા વિનંતી કરી હતી. સેંકડો વિરોધીઓએ રેલીમાં ભાગ લીધો હતો જે કાંગપોકપીની કીથેલમન્બી મિલિટરી કોલોનીથી શરૂ થઈ હતી અને આઠ કિલોમીટરનું અંતર કાપીને જિલ્લા હેડક્વાર્ટરના થોમસ મેદાન સુધી પહોંચી હતી.
કાંગપોકપી રેલીમાં હાજર એક દેખાવકાર જી. કિપગેને કહ્યું કે, ‘કૂકી-જો સમુદાયના લોકો કેન્દ્રશાસિત પ્રદેશની માંગને લઈને આ દેખાવ કરી રહ્યા છે. અમે ‘વાઈરલ’ ઓડિયો ક્લિપનો પણ વિરોધ કર્યો હતો જેમાં વાંધાજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી.