મણિપુર હિંસા: કુકી સમુદાયનું બંધનું એલાન, જનજીવનને અસર

ઇમ્ફાલ/ચુરાચંદપુર, મણિપુરમાં સુરક્ષા દળો દ્વારા કાર્યવાહી સામે કુકી-ઝો સમુદાયે અનિશ્ચિતકાળ માટે બંધનું એલાન કરતાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું.
કાંગપોક્પી જિલ્લામાં રવિવારે પરિસ્થિતિ તંગ પણ શાંત રહી, જ્યાં શનિવારે કુકી-ઝો પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણમાં ઓછામાં ઓછો એક વ્યક્તિનું મોત જ્યારે ૪૦ ઘાયલ થયા હતા.
ચુરાચંદપુર અને તેંગનોપાલ જિલ્લાના અન્ય કુકી-પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં વિરોધીઓએ ટાયરો સળગાવીને પથ્થરોથી રસ્તાઓ બ્લોક કર્યા હતા. જો કે, સુરક્ષા દળોએ મોરચો સંભાળ્યો હતો અને બંધ રસ્તાઓ ખોલતા જોવા મળ્યા હતા.લોકોને ઘરમાં રહેવાની અપીલ રાજ્યના કુકી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં વ્યાપારિક મથકો બંધ રહ્યા અને રસ્તાઓ પર બહુ ઓછા વાહનો જોવા મળ્યા હતા.
પ્રદર્શનકારીઓ લોકોને ઘરની અંદર રહેવાની અપીલ કરતા જોવા મળ્યા. એક જિલ્લા અધિકારીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૨ (ઇમ્ફાલ-દિમાપુર રોડ) પર ગામીફિયાઈ અને જિલ્લાના અન્ય ભાગોમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે અને કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
અનિશ્ચિત સમયના બંધને સમર્થન મણિપુરમાં કુકી-ઝો સંગઠન ધ ઇન્ડિજિનસ ટ્રાઇબલ લીડર્સ ફોરમ દ્વારા બોલાવવામાં આવેલા અનિશ્ચિત સમયના બંધને સમુદાયના પ્રભુત્વ ધરાવતા તમામ ક્ષેત્રોમાંથી સમર્થન મળ્યું છે.
એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘કુકી-ઝો પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાંથી મેઈતેઈ લોકોના અવરજવરને મંજૂરી આપવાના ભારત સરકારના નિર્ણયને કારણે કાંગપોક્પીમાં આંદોલન અને વિરોધ પ્રદર્શન થયું હતું. સુરક્ષા દળોએ પ્રદર્શનકારીઓ પર બળપ્રયોગ કર્યાે હતો. વિરોધ કરવા આવેલા દરેકનો અમે આભાર માનીએ છીએ.’SS1MS