મનીષ સિસોદિયાએ ૨૦ માર્ચ સુધી જેલમાં જ રહેવું પડશે
નવી દિલ્હી, દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની હોળી હવે જેલમાં જ ઉજવાશે. રાઉઝ એવન્યૂ કોર્ટ દ્વારા તેમને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. હવે તેમને તિહાર જેલ મોકલી દેવાશે. ત્યાં તેઓ ૨૦ માર્ચ સુધી જેલમાં કેદ રહેશે. રાઉઝ એવન્યૂ કોર્ટે આ ચુકાદો સંભળાવ્યો હતો. તમને જણાવી દઈએ કે સીબીઆઈ દ્વારા મનીષ સિસોદિયાની કસ્ટડી માગવામાં આવી નહોતી.
તેમની ધરપકડ દિલ્હી લીકર પોલિસી કેસમાં ભ્રષ્ટાચાર સંબંધિત મામલે કરાઈ હતી. અગાઉ કોર્ટ દ્વારા તેમની બે દિવસની કસ્ટડી સીબીઆઈને સોંપવામાં આવી હતી અને આ વખતે સીબીઆઈ તરફથી કોઈપણ પ્રકારની કસ્ટડીની માગ કરવામાં આવી નહોતી. વિશેષ જજ એમ.કે.નાગપાલે કહ્યું હતું કે સીબીઆઇ દ્વારા એકને એક સવાલ વારંવાર મનીષ સિસોદિયાને પૂછવામાં ન આવે. મનીષ સિસોદિયાએ જજને ફરિયાદ કરી હતી કે મને માનસિક રીતે હેરાનગતિ કરવામાં આવી રહી છે. સિસોદિયાએ કહ્યું હતું કે મને થર્ડ ડિગ્રી આપવામાં આવી રહી નથી પરંતુ આઠથી નવ કલાક સુધી બેસાડી રાખીને વારંવાર એકને એક સવાલો કરવામાં આવી રહ્યા છે. SS2.PG