મનીષાબેન વસાવાના પાકા મકાનનું સ્વપ્ન સાકાર થયું PM આવાસ યોજના થકી

(માહિતી) રાજપીપલા, આજે સૌ કોઈ જાણે છે કે કાચા મકાનમાં કેવી દુર્દશા થાય છે, વરસાદની સીઝનમાં કેવી રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પાકા મકાનનું સપનું તો હોય છે, પરંતુ શરીર ઘસાય ત્યારે આ સપનું સાકાર થાય છે.
સરકારે ગરીબ પરિવારોના તમામ પ્રશ્નો-સમસ્યાઓને વાચા આપવા માટે અને તેમની જરૂરિયાતોને સમજીને વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના થકી સરકાર જરૂરિયાત મંદ પરિવારને પાકુ મકાન બનાવવા માટે રૂ. ૧.૨૦ લાખનો આર્થિક ટેકો આપે છે. આ યોજના થકી આજે હજારો-લાખો પરિવારોને પોતાના સપનાનું પાકુ મકાન મળ્યું છે.
એમાંની એક લાભાર્થી દેડિયાપાડા તાલુકાના સેજપુરની છે. લાભાર્થી શ્રીમતી મનીષાબેન વસાવા જણાવે છે કે, વરસાદની સીઝનમાં ખુબ મુશ્કેલી થતી હતી. ઘરમાં દરવાજેથી પણ પાણી આવતું અને છત પરથી પણ ટપકતુ, ઘરની ચીજવસ્તુઓ પણ બગડતી અને રાંધીને બાળકોને ખવડાવવામાં પણ મુશ્કેલી થતી હતી.
પરંતુ પીએમ આવાસ યોજના થકી સરકારની રૂ. ૧.૨૦ લાખની આર્થિક સહાયના લાભથી મે મારા સપનાનું પાકુ મકાન બનાવીને પરિવાર સાથે ખુશખુશાલ જીવન જીવી રહી છે. જે બદલ સરકારનો આભાર.