Western Times News

Gujarati News

“ગુજરાતમાંથી ઝેરીલા ડ્રગ્ઝના કારોબારને નેસ્ત નાબૂદ કરવાનો નિર્ધાર”

Manjusar GIDC Harsh Sanghvi

એશિયાની સૌથી મોટી GIDC મંજુસરમાં પોલીસ સ્ટેશન કાર્યરત કરાવતા હર્ષ સંઘવી

(માહિતી) વડોદરા, વડોદરા નજીક ૧૨૦૦ હેક્ટરમાં પથરાયેલા એશિયાના સૌથી મોટા મંજુસર ઔદ્યોગિક વિસ્તાર માટે રાજ્ય સરકાર દ્વારા ફાળવાયેલા અલાયદા પોલીસ સ્ટેશનનો ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ પ્રારંભ કરાવ્યો છે. તેની સાથે આ પોલીસ સ્ટેશન માટે રૂ. ૨૯૯ લાખના ખર્ચથી નવા બનનારા બિલ્ડિંગનું ભૂમિપૂજન પણ તેમણે કર્યું હતું. ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ રાજ્યમાંથી ડ્રગ્ઝના દૂષણને નાબૂદ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

મંજૂસર ખાતે જીઆઇડીસીમાં કાર્યરત ૪૫૦થી વધુ નાનીમોટી બહુરાષ્ટ્રીય કંપનીના એકમો સહિત ૬૦૦થી વધુ એકમોમાં ઔદ્યોગિક સલામતી, કાયદા અને વ્યવસ્થાની જાળવણી માટે અલગ પોલીસ સ્ટેશન બનાવવા માટેની જરૂરિયાતને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા તત્કાલ સેટઅપ મંજૂર કરવામાં આવ્યું હતું. જેમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટર ઉપરાંત હથિયારી તથા બિનહથિયારી એએસઆઇ મળી કુલ ૮૯નું પોલીસબળ મંજૂર કરવામાં આવ્યું હતું.

આ નવ રચિત પોલીસ સ્ટેશનમાં ભાદરવા પોલીસ સ્ટેશનના ૧૩ ગામો, સાવલી પોલીસ સ્ટેશનના ૧૦ અને વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનના ૧૬ ગામો અને મંજુસર જીઆઇડીસી વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે. આ પોલીસ સ્ટેશન ઔદ્યોગિક શાંતિ જાળવવામાં અસરકારક પૂરવાર થશે.

પોલીસ સ્ટેશનનું ભૂમિપૂજન કર્યા બાદ જાહેરસભાને સંબોધન કરતા ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાતમાં થયેલા વિકાસમાં અહીંની ઔદ્યોગિક શાંતિ અને સલામતી મહત્વનું પરિબળ છે. રાજ્ય સરકાર દ્વારા ત્વરિત ર્નિણયો લઇ શાંતિ જાળવણી માટે કાયદાકીય ઉપચાર કરવામાં આવ્યા છે.

જરૂર લાગી ત્યાં કાયદાઓ વધુ કડક બનાવવામાં આવ્યા છે. તેમણે એમ પણ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા પોલીસ તંત્રને વધુ આધુનિક બનાવવામાં આવ્યું છે. તેથી પોલીસ તંત્ર ગુનાખોરીને ડામવા માટે સક્રીયતાથી કામ કરી રહ્યું છે. ૨૦૦૨ પહેલા કેટલાક જિલ્લાઓ ગુંડાઓના નામેથી ઓળખાતા હતા. આવા ગુંડાઓને નશ્યત કરવામાં આવ્યા છે.

ગુજરાતમાંથી ડ્રગ્ઝના દૂષણ નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છે, એમ કહેતા શ્રી સંઘવીએ ઉમેર્યું કે, છેલ્લા ૧૧ માસમાં જ રાજ્યમાંથી રૂ. ૫૨૦૦ કરોડનું ડ્રગ્ઝ અને ૬૫૦૦ વ્યક્તિઓને પકડવામાં આવ્યા છે. પકડાયેલા વ્યક્તિ પૈકી ૨૮ તો પાકિસ્તાની નાગરિક છે.

ગુજરાતના સીમાડેથી આ દૂષણ ઘુસે નહીં એ માટે પોલીસે આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમા સુધી જઇ ડ્રગ્ઝ પકડ્યું છે. કેટલાક વાંકદેખાઓને ગુજરાત પોલીસની આ કામગીરી ખુંચે છે અને આવી નશીલી વસ્તુઓને પકડવા બદલ પોલીસને બિરદાવવાને બદલે ગુજરાતને બદનામ કરે છે. જ્યારે, ગુજરાતની વાત આવે ત્યારે સૌ ગુજરાતીએ એક થઇ જવું જાેઇએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.