પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનના પગલે કાંકરીયા કાર્નિવલ મોકૂફ
ફ્લાવર શો 3 જાન્યુઆરી થી શરૂ થશે
(પ્રતિનિધિ) અમદાવાદ, દેશના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું નિધન થતાં સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે જેના કારણે તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.
અમદાવદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ 2024ને મોકૂફ રાખવાની એ.એમ.સી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત 1 જાન્યુઆરીથી શરૂ થનાર ફ્લાવરો શોની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે, હવે ફ્લાવર શો 3 જાન્યુઆરીથી શરૂ થશે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આજના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.
અમદાવાદના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પક્ષના નેતા તથા દંડક દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહના દુઃખદ અવસાન નિમિત્તે “કાંકરિયા કાર્નિવલ2024″ના આજે તારીખ 27 ડિસેમ્બર 2024 થી તારીખ 31 ડિસેમ્બર 2024 સુધીના તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે. જ્યારે કાંકરિયા લેક ફ્રન્ટ પરિસર ખાતે વિનામૂલ્ય પ્રવેશ યથાવત રહેશે. આ ઉપરાંત 1 જાન્યુઆરી થી શરૂ થનાર ફ્લાવર શો 3 જાન્યુઆરી થી શરૂ થશે.