Western Times News

Gujarati News

મનપસંદ જીમખાનાના નામે ચાલતા જુગારના અડ્ડાના માલિકના માથે કોનો હાથ છે?

એએમસીના એસ્ટેટ વિભાગની કૃપાથી ગોવિંદ પટેલ ઉર્ફે ગામા અને તેના ભાગીદારોએ વર્ષો અગાઉ બિલ્ડીંગમાં ગેરકાયદેસર ત્રીજો માળ પણ ખેંચી લીધો હતો-એએમસી ટીમ સાથે નિર્લિપ્ત રાય મનપસંદ જીમખાના પહોંચ્યા

અમદાવાદ, અમદાવાદમાં પોલીસની રહેમ નજર હેઠળ દરિયાપુર સ્થિત મનપસંદ જીમખાના ના નામે ધમધમતા જુગારના અડ્ડા પર અનેક વખત દરોડા પડી ચુક્્યા છે. થોડો સમય બંધ રહ્યા બાદ આ જીમખાનામાં ફરીથી જુગારની પ્રવૃતિ ધમધમવા લાગતી હતી. જીમખાનાના નામે ચાલતા જુગારના અડ્ડાને લઈને અનેક પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ પણ ભૂતકાળમાં સસ્પેન્ડ થયા છે. Who was behind the owner of the gambling den running under the name of Manpasand Gymkhana?

રાજકીય વગ ધરાવતો મનપસંદ જીમખાના નો માલિક ગોવિંદ પટેલ ઉર્ફે ગામા પોલીસ તો ઠીક પરંતુ અમદાવાદ મ્યુનિ. કોર્પો.ના એસ્ટેટ વિભાગના અધિકારીઓને પણ ખિસ્સામાં રાખતો હતો. એએમસી ના એસ્ટેટ વિભાગની કૃપાથી ગોવિંદ પટેલ ઉર્ફે ગામા અને તેના ભાગીદારોએ વર્ષો અગાઉ બિલ્ડીંગમાં ગેરકાયદેસર ત્રીજો માળ પણ ખેંચી લીધો હતો.

ગોવિંદ ઉર્ફે ગામાના જીમખાના ઉપરાંત સરખેજ અને છારાનગરમાં બુટલેગરોના ગેરકાયેદ બાંધકામ પર ભ્રષ્ટાચારી એસ્ટેટ વિભાગને નિર્લીપ્ત રાયના કારણે હથોડા મારવાની ફરજ પડી છે.મનપસંદ જીમખાના વાસ્તવમાં પોલીસ, એએમસી અને રાજકીય નેતા/કાર્યકરોનું પસંદગીનું ઠેકાણું રહ્યું છે. કારણ કે, ભ્રષ્ટાચારીઓને અહીંથી નિયમિત હપ્તા મળતા રહે છે. વર્ષ ૨૦૧૩માં દરિયાપુરમાં આવેલું રેવા ભુવન ત્રણ મિત્રો ગોવિંદ પટેલ ઉર્ફે ગામા, ભરત પટેલ ઉર્ફે બોબી પટેલ અને પંકજ ખત્રી ઉર્ફે મુન્નો એ ભાગીદારમાં ખરીદ્યું.

ભાગીદારીમાં શરૂ કરાયેલા મનપસંદ જીમખાના ઉપરાંત રેવા ભુવનમાં આવેલી દુકાનોના ભાડાની આવક મિત્રોએ મેળવવાની શરૂ કરી હતી. ગોવિંદ પટેલ ઉર્ફે ગામાએ થોડાક વર્ષો અગાઉ એએમસીના અધિકારીઓ સાથે ગોઠવણ કરી જીમખાનાના બીજા માળની ઉપર ગેરકાયદેસર ત્રીજો માળ ખેંચી લીધો હતો. ગોવિંદ પટેલે ગેરકાયદે બાંધકામને કાયદેસર કરવા ઈમ્પેક્ટ ફી ભરવા પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ નજીકમાં જ આરક્ષિત ઈમારત આવતી હોવાથી પ્રયાસ નિષ્ફળ બન્યો હતો.

આ મામલે મનપસંદ જીમખાના નો માલિક ગોવિંદ પટેલે અદાલતમાં ધા નાંખી બાંધકામ તૂટતું અટકાવ્યું હોવાની પણ સૂત્રો પાસેથી માહિતી મળી છે.મનપસંદ જીમખાનામાં અનેક વખત સ્ટેટ એજન્સી અને સ્થાનિક પોલીસ એજન્સી દરોડા પાડી લાખો રૂપિયાનો જુગાર પકડી ચૂકી છે. જુલાઈ-૨૦૨૨માં ડીવાયએસપી જ્યોતિ પટેલ તત્કાલિન ડીજીપી આશિષ ભાટીયાના આદેશથી દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન જીમખાનાના હાથ લાગેલા સીસીટીવી ફૂટેજમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચ સહિત ૧૦૦ જેટલાં પોલીસ કર્મચારીઓની અવરજવર જુગારના અડ્ડે થતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલમાં નિર્લિપ્ત રાયની નિમણૂક થતાં તેમણે મનપંસદ જીમખાના કેસમાં કાર્યવાહી આરંભી હતી.

ગોવિંદ ઉર્ફે ગામાના અડ્ડે જતા ક્રાઈમ બ્રાંચ સહિતના પોલીસ કર્મચારીઓને નિવેદન નોંધાવવા નોટિસો ફટકારી હતી. જેના પગલે અમદાવાદ પોલીસ માં ખળભળાટ મચી ગયો હતો. બીજી તરફ બોગસ પાસપોર્ટ કેસ માં પકડાયેલા ભરત પટેલ ઉર્ફે બોબી પટેલ અને વાન્ટેડ પંકજ ખત્રી ઉર્ફે મુન્નાનું મનપસંદ જીમખાના સાથે જુનું કનેકશન સામે આવ્યું હતું. પોલીસ તપાસમાં જીમખાનાનો ત્રીજો માળ ગેરકાયદેસર ખેંચવામાં આવ્યો હોવાની માહિતી જે-તે સમયે જ હાથ લાગી હતી.

એસએસસી ને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય એ બુટેલગર/ગેમ્બલરોની સામે કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યા હતા.સરકારી જમીનમાં પાકા મકાનો અને દુકાનો બાંધીને ભાડા ખાતા દેશી દારૂના બુટલેગરો લક્ષ્મણ ઉર્ફે ક્રિષ્ના છારા અને બાબુ છારાના નામ જાહેર થતાં સરખેજ પોલીસ ની પોલ ખુલી છે. પોલીસ અને તંત્ર સરકારી જમીન પરના બાંધકામ અંગે આંખ આડા કાન કરતા હતા.

લિસ્ટેડ બુટલેગરો પાસેથી માત્ર હપ્તા ઉઘરાવવામાં વ્યસ્ત રહેતા તંત્રને વિકાસ સહાયે કાર્યવાહી કરવા માટે મજબૂર કર્યા છે. સરખેજ જેવી જ સ્થિતિ સરદારનગર પોલીસ સ્ટેશન ની હદમાં છારાનગર/કુબેરનગર ખાતે છે. મોટા બુટલેગર સાવન છારાએ ભ્રષ્ટ એસ્ટેટ વિભાગ અને સ્થાનિક કાપોરેટરની રહેમનજર હેઠળ વર્ષો પહેલાં ગેરકાયદેસર રીતે ઉંચા મકાનો અને દુકાન બાંધી દીધી હતી.

આ તમામ બાંધકામો તોડવાની કામગીરી દરમિયાન ટીમ નિર્લીપ્ત રાય, ડીવાયએસપી કે. ટી. કામરીયા સહિતના અધિકારીઓ હાજર રહ્યાં હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.