Western Times News

Gujarati News

566 વર્ષથી દિવાળીમાં ફૂલોના ગરબાની પરંપરા ચાલી રહી છે માણસાના ધોળાકૂવા ગામે

પ્રતિકાત્મક

૩પ ફૂટ ઊંચા અને ર૦ ફૂટ પહોળા ગરબા શ્રદ્ધાનું પ્રતીક

ગાંધીનગર, આધુનિક યુગમાં પણ માણસા તાલુકાના ધોળાકુવા ગામમાં પ૬૬ વર્ષથી દિવ્ળીના દિવસોમાં ફુલોના ગરબાની પરંપરા અકબંધ જળવાઈ રહી છે. દિવાળીના તહેવારો દરમિયાન ગામમાં રાંગળી માતાજીની બાધા માનતાના ૩પ ફૂટ ઉંચા અને ર૦ ફૂટ પહોળા ગરબા શ્રદ્ધાનું પ્રતિક છે.

દરરોજ ફૂલોના ગરબાને માઈભક્તો માથે લઈને ઘુમતા ઘુમતા માતાજીની આરાધના કરતા જોવા મળે છે. આ વખતે ૩૧ ઓકટોબરને ગુરુવારના રોજ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ અને શ્રદ્ધાળુ માતાજીના આ અવસરનો લ્હાવો લેવા માટે ઉમટી પડશે.

વર્તમાન આધુનિક યુગમાં પણ વર્ષોની પરંપરા મુજબ આજે પણ અકબંધ જળવાઈ રહી છે તે માતાજી પ્રત્યેની અનહદ શ્રદ્ધા છે. માણસા તાલુકાના ધોળાકુવા- શબ્દલપુરા ગામમાં છેલ્લા પ૬૬ વર્ષથી પાટીદાર અને ઝાલા વંશી ઠાકોર યુવાનો તેમજ ગ્રામજનોના સહયોગથી દિવાળીના તહેવારોમાં ભારે ભક્તિભાવપૂર્વક ફૂલોના ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે.

રાંગળી માતાજીના ફુલોના ગરબાના કાર્યક્રમને પગલે ગામને રોશનીથી શણગારવાની તૈયારીઓ આખરી તબક્કામાં ચાલી રહી છે. લોકવાયકા મુજબ પ૬૬ વર્ષ પહેલાં ગામમાં રાંગળી માતાજી સ્વયંભૂ પ્રગટ થયાનું કહેવામાં આવે છે. જેથી ગ્રામજનોમાં માતાજી પ્રત્યે અનન્ય શ્રદ્ધાને લીધે લોકો માતાજીની બાધા અને માનતા રાખવામાં આવતી હોય છે.

માતાજીની બાધા કે માનતાના ગરબા ગામના લોકો ઉપરાંત આસપાસના ગામના લોકો અને દેશ વિદેશમાં રહેતા માઈભક્તો પણ રાખતા હોય છે. જેથી માતાજીની બાધા કે માનતાના ફુલોના ગરબા દિવાળીના તહેવારોમાં યોજવામાં આવે છે. માઈભક્તો દ્વારા માતાજીને સુખડી, ગોળ, તેલ, ચોખા અને શ્રીફળ ચઢાવવામાં આવે છે. માતાજીના ફુલોના ગરબામાં તેલના દિવા કરવામાં આવે છે.

ગામના ઠાકોર અને પટેલ ભાઈઓ સામુહિક રીતે વર્ષોથી માતાજીના ગરબાનું આયોજન કરતા આવ્યા છે. પરંપરાગત રિવાજ મુજબ ઝાલાવંશી- રૂપાલા પરિવારના ક્ષત્રિયો ગરબો તૈયાર કરે છે અને પાટીદાર ભાઈઓ સાથે મળીને સવારે ગરબાને ગામની વચ્ચે આવેલા મંદિરના પ્રાંગણમાં લાવતા હોય છે ત્યારબાદ ગરબાને વળાવવામાં આવે છે. આ પ્રસંગને ગ્રામજનો અને ગામના વતનીઓ ખૂબ ઉત્સાહપૂર્વકઉજવી રહ્યા છે તેના દર્શન માટે રાજયભરના ગમે તે શહેરમાં વસતા ગ્રામજનો દિવાળીના દિવસોમાં વતન આવતા હોય છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.