મનસુખભાઈ માંડવીયાએ કેશોદમાં રેલવે અંડર બ્રીજની કામગીરીનું નિરીક્ષણ કર્યું
જૂનાગઢ, ભારત સરકારના શ્રમ રોજગાર અને રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવીયાએ આજે જૂનાગઢના જિલ્લાની મુલાકાત દરમિયાન કેશોદ શહેરના ચાર ચોક ખાતે રેલવે અંડર બ્રીજના ચાલી રહેલ કામનું નિરીક્ષણ કર્યું હતું.
કેન્દ્રીય મંત્રીએ ઝડપભેર રેલવે અંડર બ્રીજનું કામ પૂર્ણ કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. તેમણે ખાસ રેલવેના અધિકારી સાથે ટેલીફોનિક વાતચીત કરી હતી. આ અંડર બ્રીજના નિર્માણ માટે જરૂરી રેલવે રીલીવિંગ ગડર વહેલી તકે ઉપલબ્ધ થાય તે માટે સૂચના આપી હતી. જેથી સમય મર્યાદામાં આ રેલવે અંડરબ્રીજનું કામ પૂર્ણ કરી શકાય.
કેશોદના ચાર ચોક ખાતે અંદાજે રૂ.૨૧ કરોડના ખર્ચે બની રહેલા આ રેલવે અંડર બ્રીજથી લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળશે. હાલ ૭૦ ટકા જેટલી રેલવે અંડર બ્રિજની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા ફાટક મુક્ત અભિયાન હેઠળ જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે. આ તકે ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા, પ્રાંત અધિકારી કિસન ગરચર, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીના અધિકારીઓ અને સ્થાનિક પદાધિકારી-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.