ગોધરા પાલિકા શોપિંગ સેન્ટરની અનેક દુકાનોનો ભાગ જર્જરિતઃ મોટો અકસ્માત થવાની સંભાવના
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરા ખાતે શહેરની મધ્યમાં પાલિકા હસ્તકનું શોપિંગ સેન્ટર આવેલું છે આ શોપિંગ સેન્ટરનો અમુક ભાગ જર્જરિત હોવાથી સ્થાનિક વેપારીઓ સમારકામની માંગ કરી રહ્યા છે તો બીજી પાલિકાના સત્તાધીશો ભાડાની નિયમિત વસુલાત કરતા હોવા છતા આંખ આડા કાન કરતા હોવાનું કહેવાય છે.
ગોધરા શહેરના રામસાગર તળાવના ફરતે ગોધરા નગરપાલિકા હસ્તકનું મ્યુન્સિપલ શોપિંગ સેન્ટર આવેલું છે આ શોપિંગ સેન્ટરનો અમુક ભાગ લાંબા સમયથી જર્જરિત હોવાથી વેપારીઓ પોતાનો વેપાર ભય હેઠળ કરી રહ્યા છે.સમારકામની કામગીરી બાબતે પાલિકા સત્તાધીશોને અનેક વખત રજૂઆતો કરી હોવા છતા આંખ આડા કાન કરતા હોવાનું કહેવાય છે.
આમ તો પાલિકા નિયમિત પણે દુકાનદારો પાસેથી લાખ્ખો રૂપિયા ભાડું તો ઉધરાવે છે પણ સમારકામની કામગીરી હાથ ધરવામાં ન આવતા સ્થાનિક વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે આ શોપિંગ સેન્ટરમાં અંદાજીત ૬૦૦ ઉપરાંત દુકાનો આવેલી છે અને લોકોની મોટી સંખ્યામાં રોજબરોજ અવરજવર પણ રહેતી હોય છે ત્યારે સવાલ એ થાય કે શોપિંગ સેન્ટર નો જર્જરિત ભાગ પડે અને કોઈ નિર્દોષ તેનો ભોગ બને તે પહેલા પાલિકા સત્તાધીશોએ વહેલી તકે જાગી આ શોપિંગમાં રહેલ જર્જરિત ભાગોના સમારકામની કામગીરી હાથ ધરે તે જરૂરી બન્યું છે.
આ મામલે ગોધરાના સામાજિક કાર્યકર કૈલાસ કારીઆએ જણાવ્યું હતું કે ગોધરા મ્યુનિસિપલ શોપિંગ સેન્ટરનો અમુક ભાગ લાંબા સમયથી જર્જરિત છે જેના બાંધકામને પણ લાંબો સમય વિતી ગયો હોવા છતા પાલિકા દ્વારા કોઈ મેન્ટેન્સ માટેની કામગીરી કરવામાં આવી નથી વેપારીઓ દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવે છે પરંતુ પાલિકાના જાડી ચામડીના સત્તાધીશો આ બાબતે કોઈ ધ્યાન આપતા નથી જેના કારણે કોઈ દીવસ મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી હતી.