મરાઠી અભિનેતા રવિન્દ્ર બેર્ડેનું ૭૮ વર્ષની વયે નિધન
નવી દિલ્હી, મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. દિગ્ગજ મરાઠી અભિનેતા રવિન્દ્ર બેર્ડેનું નિધન થઈ ગયુ છે. ૭૮ વર્ષની ઉંમરમાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે. રવિન્દ્ર બેર્ડેએ પોતાના અભિનયથી મરાઠી સિનેમામાં પોતાની અલગ ઓળખ બનાવી છે.
તેઓ છેલ્લા કેટલાક સમયથી ગળાના કેન્સરથી પીડિત હતા. કેટલાક મહિનાથી તેમની સારવાર ટાટા હોસ્પિટલમાં ચાલી રહી હતી. અભિનેતા ઉપરાંત રવિન્દ્ર બેર્ડેની વધુ એક ઓળખ એ છે કે, તેઓ લક્ષ્મીકાંત બેર્ડેના ભાઈ હતા. બંનેએ એક સાથે અનેક ફિલ્મોમાં કામ પણ કર્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે બે દિવસ પહેલા જ તેમને હોસ્પિટલમાંથી ઘરે લાવવામાં આવ્યા હતા. ઘરે આવ્યા બાદ તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો અને તેમનું નિધન થઈ ગયું. તેમણે ૩૦૦થી વધુ મરાઠી ફિલ્મોમાં પોતાના અભિનયથી લોકોનું દિલ જીતી લીધુ હતું. તેમના નિધનથી મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.
રવિન્દ્ર બેર્ડેના પરિવારમાં પત્ની, બે બાળકો, પુત્રવધૂ અને પૌત્ર-પૌત્રીઓ છે. ચાહકો પણ સોશિયલ મીડિયા દ્વારા શોક વ્યક્ત કરી રહ્યા છે. પડદા પર રવિન્દ્રની જાેડીને અશોક સરાફ, વિજય ચવ્હાણ, મહેશ કોઠારે, વિજુ ખોટે, સુધીર જાેશી અને ભરત જાધવ સાથે ખૂબ પસંદ કરવામાં આવી હતી.
તેમણે અનેક પ્રકારના પાત્રોથી લોકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું હતું. રવિન્દ્ર મરાઠી ઉપરાંત હિન્દી સિનેમામાં પણ સક્રિય હતા. તેઓ સિંઘમ, ચિંગી જેવી હિન્દી ફિલ્મોમાં પણ પોતાના અભિનયનો જાદુ બતાવી ચૂક્યા છે.
વર્ષ ૧૯૯૫માં એક નાટકના મંચન દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ વર્ષ ૨૦૧૧માં તેઓ કેન્સર જેવી ગંભીર બીમારીની લપેટમાં આવી ગયા હતા. SS2SS