મારબર્ગ ઇબોલા વાઇરસ કરતાં પણ વધુ ઝડપથી ફેલાઇ શકે છે, બે દર્દીનાં મોત
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ગુરુવારે જણાવ્યું હતું કે, ઘાનામાં જે બે લોકોના નમૂના લેવામાં આવ્યા હતા અને તેઓમાં મારબર્ગ વાયરસ હોવાનું ખુલ્યું હતું
નવી દિલ્હી, વિશ્વ હજુ પણ કોરોના વાયરસ સામે સંપૂર્ણ રીતે જીતી શક્યું નથી. ઘણા દેશોમાં કેસ વધી રહ્યા છે. ત્યાં એક પછી એક નવા વાયરસ સામે આવતા જાય છે. હવે મારબર્ગ નામનો વાયરસ સામે આવ્યો છે. પશ્ચિમ આફ્રિકાના દેશ ઘાનામાં મારબર્ગના બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે.
નવા વાયરસને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન પણ સતર્ક થઈ ગયું છે. નિષ્ણાંતોનું માનવું છે કે, મારબર્ગ વાઇરસ અન્ય ચેપી રોગ ઇબોલા વાઇરસ કરતાં પણ વધુ ઝડપથી ફેલાઇ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ગુરુવારે જણાવ્યું હતું કે, ઘાનામાં જે બે લોકોના નમૂના લેવામાં આવ્યા હતા અને તેઓમાં મારબર્ગ વાયરસ હોવાનું ખુલ્યું હતું.
આ બંનેનું મોત સંક્રમણના કારણે થયું છે. ઘાનામાં લેવામાં આવેલા નમૂના પોઝિટિવ મળી આવ્યા છે. આ સાથે નમૂનાના પરિણામોની પુષ્ટિ સેનેગલની પ્રયોગશાળા દ્વારા કરવાની વાત પર પણ ભાર મુક્યો હતો અને સંભવિત ખતરાને જાેતા આ સંક્રમણ સામે લડવા માટે ઝડપથી તૈયારીઓ કરવામાં આવી રહી હોવાનું કહ્યું હતું.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, દક્ષિણના અશાંતિ ક્ષેત્રના બે દર્દીઓમાં ઝાડા, તાવ, ઉબકા અને ઉલટી સહિતના ઘણા લક્ષણો જાેવા મળ્યા હતા. પશ્ચિમ આફ્રિકામાં મારબર્ગ સંક્રમણ ઇબોલા ચેપ પછીનો બીજાે સૌથી ઝડપથી વિકસતો રોગ બની જાય તેવી દહેશત છે.
ગયા વર્ષે ગિનીમાં આ વાયરસનો પ્રથમ કેસ મળી આવ્યો હતો. જાે કે, હજુ સુધી મારબર્ગથી સંક્રમણના અન્ય કોઈ કેસ મળી આવ્યા નથી. વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યા અનુસાર, ૧૯૬૭થી અત્યાર સુધીમાં મારબર્ગ ડઝનેક કેસ જાેવા મળ્યા છે. મોટાભાગના કેસ દક્ષિણ અને પૂર્વ આફ્રિકામાં જાેવા મળ્યા હતા.
વાયરસના સ્ટ્રેન અને કેસ મેનેજમેન્ટથી છેલ્લી લહેરમાં મૃત્યુ દર ૨૪ ટકાથી ૮૮ ટકા સુધીનો હોવાનું જાણવા મળે છે. નિષ્ણાતોના મતે મારબર્ગનો ચેપ ચામાચીડિયાંથી પણ ફેલાય છે. જે લોકોને ચેપ લાગ્યો છે તેમનામાં તાવ, માથાનો દુઃખાવો જેવા લક્ષણો હોઈ શકે છે. કેટલાક દર્દીઓમાં ૭ દિવસની અંદર બ્લીડીંગ પણ થઈ શકે છે. હજી સુધી મારબર્ગ સંક્રમણ માટે કોઇ રસી બનાવવામાં આવી નથી.મારબર્ગ અન્ય ચેપી રોગ ઇબોલા વાઇરસ કરતાં પણ વધુ ઝડપથી ફેલાઇ શકે છે