ર૪ માર્ચ- વિશ્વ ટીબી દિવસ : સુષુપ્ત ટીબી ચેપી નથી, પણ સક્રિય ટીબીનો ચેપ લાગી શકે
ટીબીમાં દર્દીની ભૂખ મરી જાય છે, ખોરાક લઈ શકાતો નથી, ઓચીંતા વજન ઘટવા લાગે, ઠંડી લાગે, ધ્રુજારી થાય, રાત્રે પરસેવો વળી જાય
ર૪ માર્ચ એટલે વિશ્વ ટીબી દિવસ. માઈકોબેકટેરીયમ ટયૂબરકયુલોસીસ તરીકે ઓળખાતા અને ટીબીના ટૂકનામથી ઓળખાતો આ રોગ ગંભીર છે. ટીબી બે પ્રકારના હોય છે. પહેલો પ્રકાર સુષુપ્ત ટીબી જેમાં આ પરીસ્થિતીમાં દર્દીના શરીરમાં ટીબીના બેકટેરિયા મોજુદ હોય છે પરંતુ તે નિષ્ક્રિય હોવાથી કોઈ લક્ષણો દેખાતા નથી. આ પરિસ્થિતિમાં તેનો ચેપ અન્યને લાગતો નથી. પરંતુ જેવા આ બેકટેરીયા સક્રિય ટીબીમાં ફેરવાય છે કે તે ખૂબ ચેપી રોગ બની જાય છે. બીજાે પ્રકાર સક્રિય ટીબી જેમાં ટીબીના લક્ષણો પ્રદર્શિત થવા લાગે છે અને દર્દી તેનો ચેપ બીજાને ફેલાવી શકે છે.
ટીબીના બેકટેરીયા દર્દીના થૂંક, ગળફાં, લીંટ, છીંક વખતે ફેલાતા થૂંકના બિંદુઓ, ઉલટી વગેરે જેવા શારીરિક પ્રવાહીઓમાં બેકટેરીયા મોજૂદ હોય છે. જે સૂક્ષ્મબિંદુઓ રૂપે હવા દ્વારા ફેલાય છે સ્વસ્થ વ્યક્તિના શરીરમાં દાખલ થાય છે. આવે વખતે જાે વ્યક્તિની રોગપ્રતિકારક ક્ષમતા કોઈક કારણસર નબળી પડે તો જીવાણુઓ હાવી થઈ જાય છે અને ટીબી કરે છે. જાે સ્વસ્થ વ્યક્તિ આમાંના કોઈ પણ પ્રવાહીના સંપર્કમાં આવે તો ટીબી ફેલાઈ શકે છે. આથી જ ટીબીના દર્દીઓને આઈસોલેટ એટલે કે બીજા સ્વસ્થ વ્યક્તિઓના સંપર્કમાં ન આવે તે રીતે અલગ રાખવાની સલાહ અપાય છે.
ખાસ કરીને જાે ઘરમાં કોઈ એક વ્યક્તિને ટીબી હોય તો બાળકો અને સગર્ભા સ્ત્રીઓએ તેમના સંપર્કમાં રહેવાનું ટાળવું જાેઈએ. આટલું જ નહી, દર્દીના વાસણ, પીવાના પાણીનો ગ્લાસ, રૂમાલ અને કપડા અળગા રાખી અલગથી જંતુમુક્ત થાય તેવા રસાયણો વડે સાફ કરવા જાેઈએ. કમનસીબે આપણે ત્યાં ટીબીના દર્દીઓ પોતાની ઓળખ છુપાવે છે. આથી આ રોગનો ચેપ અન્યોને લાગવાની ક્ષમતા વધી જાય છે. ગીચ વસ્તી કે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો, નાની-નાની ખોલીઓ કે ઓરડીઓમાં એકસાથે અનેક લોકો રહેતા કે રાતવાસો કરતાં હોય ત્યારે આ રોગનો ચેપ અન્યોને લાગવાની શકયતા ઘણી વધી જાય છે. કેન્સર અને કેન્સરની સારવાર દરમિયાન અને ડાયાબીટીસ ખૂબ વધુ રહેતો હોય ત્યારે રોગપ્રતિકારક શક્તિ નબળી પડે અને ટીબી થઈ શકે છે. કુપોષણ અને ખાસ કરીને શરીરમાં શક્તિ-પ્રોટીનની ઉણપ અને દૂબળાપણુ પણ ટીબીના જીવાણુંઓ સામે લડવાની શરીરની શક્તિને બુઠ્ઠી બનાવી દે છે એવું પણ જાેવા મળ્યું છે કે આલ્કોહોલનું સેવન અને બીડી- તમાકુ કે તમાકુનું કોઈપણ સ્વરૂપે સેવન કરતાં લોકોમાં પણ ટીબી થવાની શકયતા વધી જતી હોય છે.
ટીબીમાં દર્દીની ભૂખ મરી જાય છે. ખોરાક લઈ શકાતો નથી. ઓચીંતા વજન ઘટવા લાગે, ઠંડી લાગે, ધ્રુજારી થાય, રાત્રે પરસેવો વળી જાય અને દર્દીને સતત થાક અને અશક્તિ લાગે આ સામાન્ય લક્ષણો છે. લાંબા ગાળે દર્દીનું શરીર હાડપીંજર જેવું અને એકદમ માયકાંગલું દેખાવા લાગે છે. ટીબીના જીવાણુઓ શરીરના જે ભાગમાં હુમલો કરે તે અંગમાં દુખાવો અને અલગ-અલગ લક્ષણો દેખાય છે. ફેફસાના ટીબીમાં વારંવાર કફ અને ઉધરસી થાય છે. ઉધરસ અને કફ સતત ત્રણ મહિના સુધી ચાલુ રહે અને મટે નહી તો તે ટીબીનું દેખીતું લક્ષણ છે. ઉધરસ ખાતી વખતે ગળફામાં લોહી નીકળે એ પણ ટીબીનું અગત્યનું લક્ષણ છે. જે ટીબીની સામાન્ય શરદી-ઉધરસથી અલગ પાડે છે. દર્દીને સખત ઉધરસ ઉપડે ત્યારે કે કફ ભરાય અને જાેરથી શ્વાસ લેતી વખતે છાતીમાં દુઃખાવો થાય છે.
સરકારી દવાખાનાઓમાં ટીબીની સારવાર અને દવા વિનામુલ્યે કરાય છે અને તે અંતર્ગત ટીબીના દર્દીઓને વિવિધ એટીબાયોટીક દવાઓનો મિશ્ર ડોઝ અપાય છે. આને ‘ડોટ’ થેરેપી તરીકે પણ ઓળખાય છે. ટીબીના દર્દીએ શક્તિ અને પ્રોટીનથી ભરપુર આહાર લેવો જાેઈએ. સાથે સાથે કેલ્શિયમ, લોહતત્વ અને વિટામીન-ખનીજક્ષારોથી ભરપુર ખોરાક લેવો જાેઈએ. જે ટીબીથી શરીરને પહોંચેલા ઘસારાની પૂર્તિ માટે અને રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવા માટે ખૂબ જરૂરી છે.