સમાજના ગ્રુપમાં વીડિયો મૂકી પરિણીતાએ આપઘાત કર્યો

અમદાવાદ, ખાડિયા વિસ્તારમાં શ્રીજી રેસિડેન્સીમાં રહેતી પરિણીતાએ આપઘાત કર્યાે હતો. પરિણીતાના લગ્નના ત્રણ માસ બાદથી સાસરિયાં ત્રાસ ગુજારતા હતા. પરિણીતાનો પતિ કામ બાબતે ઝઘડો કરીને ત્રાસ આપતો હતો.
પરિણીતાના એક ભાઇ સાથે નણંદના લગ્ન થયા હતા, આ નણંદે છૂટાછેડા આપવા હોય તો મારા ભાઇને એક બાળક જણી આપ તેમ કહીને ત્રાસ આપ્યો હતો. સાસરિયાંના ત્રાસથી કંટાળીને પરિણીતાએ સમાજના ગ્રૂપમાં એક વીડિયો મૂકીને ફાંસો ખાઇ આપઘાત કર્યાે હતો.
ખાડિયા પોલીસે પતિ સહિતના પાંચ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૂળ રાજસ્થાનની ૨૮ વર્ષીય મોહિનીના ૨૦૨૨માં ખાડિયામાં રહેતા ભરત પ્રજાપતિ સાથે લગ્ન થયા હતા. મોહિનીની નણંદ સાથે એક ભાઇના સાટાપેટે લગ્ન કર્યા હતા. લગ્નના ત્રણેક માસ બાદથી મોહિનીનો પતિ તું મને ગમતી નથી, પણ મા-બાપના કહેવાથી લગ્ન કર્યા છે તેમ કહીને બોલાચાલી કરતો હતો.
સાસુ સહિતના લોકો સાફ-સફાઇ અને કામ બાબતે ત્રાસ આપતા હતા. ગઇ ધનતેરસે સાસરિયાઓએ જમવાનું સારું ન બનાવવા બાબતે મોહિની સાથે ઝઘડો કર્યાે હતો અને દિવાળીના દિવસે મોહિનીને પતિ પિયરમાં મૂકી આવ્યો હતો.
બાદ મોહિનીની નણંદે છૂટાછેડા લેવા હોય તો એક બાળક જણી આપ પછી જ છૂટાછેડા મળશે તેમ કહેતા તેને લાગી આવ્યું હતું. તા.૨૭મીએ મોહિનીએ સમાજના ગ્રૂપમાં તેની આપવીતિ જણાવતો વીડિયો મૂકીને પંખા સાથે સાડી બાંધી ફાંસો ખાઇને આપઘાત કર્યાે હતો. પોલીસે વીડિયો આધારે મોહિનીના પતિ ભરત, સાસુ લક્ષ્મીબેન, જેઠ મોહન અને હિતેશ તથા નણંદ વિદ્યા સામે ગુનો નોંધ્યો છે.SS1MS