શ્રી મારૂતિ કુરિયરની સફળતાની યશગાથાને જગવિખ્યાત ફોર્બ્સ મેગેઝિન દ્વારા સરાહના
ફોર્બ્સ ઈન્ડિયાએ શ્રી રામભાઈ મોકરિયા દ્વારા સ્થપાયેલી શ્રી મારૂતિના પ્રારંભથી અત્યાર સુધીની સફર, સફળતા અને બ્રાન્ડ વેલ્યુ અંગે વિશેષ અહેવાલ પ્રસિદ્ધ કર્યો
અમદાવાદ, ભારતની અગ્રણી કુરિયર અને લોજિસ્ટિક્સ કંપનીઓમાં સ્થાન ધરાવતી ગુજરાતની શ્રી મારૂતિની ઝળહળતી સફળતાની વિશ્વવિખ્યાત ફોર્બ્સ મેગેઝિન દ્વારા સરાહના કરવામાં આવી છે. ફોર્બ્સ મેગેઝિન કોર્પોરેટ જગતના સમાચારો અને અહેવાલો માટે દુનિયાભરમાં માનભર્યું સ્થાન ધરાવે છે. આ મેગેઝિનના લેટેસ્ટ ફેમિલી બિઝનેસ વિશેષ અંકમાં શ્રી મારૂતિની સ્થાપનાનો ઈતિહાસ, કાર્યશૈલી, કોર્પોરેટ મૂલ્યો, સફળતાના રહસ્યો અને ભાવિ યોજનાઓ વિશે રસપ્રદ છણાવટ કરવામાં આવી છે.
વિશ્વના અગ્રણી બિઝનેસમેન અને કોર્પોરેટ માંધાતાઓ નિયમિતપણે જે મેગેઝિન વાંચે છે અને જેના અહેવાલોની સમગ્ર દુનિયામાં નોંધ લેવાય છે તે ફોર્બ્સ મેગેઝિને તાજેતરમાં ભારતના ફેમિલી દ્વારા સંચાલિત બિઝનેસ અંગે એક સ્પેશિયલ ઈશ્યૂ બહાર પાડ્યો છે.
ઈશ્યૂમાં શ્રી મારૂતિ અંગે પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુજબ શ્રી રામભાઈ મોકરિયાએ 1980ના સમયમાં પાસપોર્ટ, વિઝા, એર બુકિંગ અને ટ્રાવેલિંગ સર્વિસીઝના કામકાજ સાથે તેમની સફર શરૂ કરી હતી. પાંચ વર્ષ પછી 1985માં તેમણે મારૂતિ ટ્રાવેલ એન્ડ કાર્ગોનો પ્રારંભ કર્યો જેનું નામ બદલીને બાદમાં શ્રી મારૂતિ કુરિયર સર્વિસીઝ રાખવામાં આવ્યું.
અત્યંત બિનસંગઠિત એવા કુરિયર અને લોજિસ્ટિક્સ વ્યવસાયમાં શ્રી રામભાઈ એટલે ટકી શક્યા કારણ કે તેઓ સમયસર શીપમેન્ટની ડિલિવરી પર વધુ ધ્યાન આપતા હતા. ગ્રાહકો પ્રત્યેની સમર્પિતતા કોઈપણ સંજોગોમાં, કોઈપણ કિંમતે જળવાઈ રહેવી જોઈએ એ મંત્ર તેમણે આત્મસાત કર્યો હતો અને તેમની પછીની પેઢીને પણ આ જ મંત્ર આપ્યો.
તેમના પુત્રો શ્રી અજયભાઈ મોકરિયા અને શ્રી મૌલિકભાઈ મોકરિયાએ જ્યારે કંપનીની વિવિધ જવાબદારી સંભાળવાનું શરૂ કર્યું ત્યારે તેમણે કંપનીનું ઝડપથી વિસ્તરણ કરવાના બદલે ગ્રાહકોને ઝડપથી ડિલિવરી મળે તેના પર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું. શ્રી મારૂતિનું ક્યારેય દેશની સૌથી મોટી કુરિયર કંપની બનવાનું ધ્યેય નહોતું. તેમણે કસ્ટમર સર્વિસ પર જ ફોકસ રાખ્યું અને એટલે જ તેમના સમયમાં અનેક મોટા ફંડ સાથેની કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સ આવ્યા પરંતુ સફળ ન થઈ શક્યા.
2017ના વર્ષમાં ધ કેરિયર, ટ્રકમંડી, ટ્રકસુમો, લોડખોજ, ઝાઈકસ અને સસ્તાભાડા જેવા અનેક સ્ટાર્ટઅપ્સ બંધ થઈ ગયા. કુરિયર બિઝનેસમાં ફર્સ્ટ ફ્લાઈટ જેવા મોટા નામોનો સૂરજ પણ આથમી ગયો.
“તમે ભલે સંખ્યાબંધ ટ્રક ખરીદી લો પણ જો ઓપરેશનલ એક્સપિરિયન્સ અને કસ્ટમર સર્વિસને પ્રાધાન્ય ન આપો તો લોજિસ્ટિક્સ અને કુરિયર બિઝનેસમાં ન ચાલી શકો. અમે 37 વર્ષોથી આ બિઝનેસમાં છીએ, નફાકારક કંપની છીએ, દેવા મુક્ત છીએ અને હવે વર્ષ 2025-26 સુધીમાં રૂ. 1,000 કરોડના આંકડે પહોંચવાની યોજના ધરાવીએ છીએ”, એમ શ્રી અજયભાઈ મોકરિયાએ જણાવ્યું હતું.
1985માં નાનકડી શરૂઆતથી પ્રારંભ કરનાર શ્રી મારૂતિ કુરિયર આજે ભારતની ટોચની પાંચ કુરિયર અને લોજિસ્ટિક્સ કંપનીઓમાં સ્થાન ધરાવે છે. નાણાંકીય વર્ષ 2022માં કંપનીની ઓપરેટિંગ ઈન્કમ રૂ. 501 કરોડ રહી હતી. કંપની એર અને સરફેસ ટ્રાન્સપોર્ટ થકી રોજના 2.5 લાખ કુરિયર અને કન્સાઈનમેન્ટ્સની સંતોષકારક ડિલિવરી કરે છે, સમગ્ર ભારતમાં 3,764 આઉટલેટ્સનું અને 4,581 યુનિક પિનકોડનું નેટવર્ક ધરાવે છે.