મુંબઈના બંદર પરથી 1725 કરોડનું હેરોઈન જપ્ત
પોલીસે ડ્રગ માફિયાઓના મોટા ખેલને નાકામ કર્યો
(એજન્સી)મુંબઈ, મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના ન્હાવા શેવા પોર્ટ પરથી હેરોઈનનો સૌથી મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે પોલીસે ૨૨ ટનનું એક કન્ટેનર જપ્ત કર્યું છે જેમાં મોટા પ્રમાણમાં હેરોઈન ભરીને લાવવામાં આવી રહી રહ્યું હતું.
જપ્ત કરાયેલ હેરોઈનની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ૧,૭૨૫ કરોડ રૂપિયા છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આ જાણકારી આપી છે. દિલ્હી પોલીસે ડ્રગ માફિયાઓના મોટા ખેલને નાકામ કરી દીધો છે. પોલીસને હેરોઈનનો મોટો જથ્થો ભારતમાં લાવવામાં આવી રહ્યો હોવાની ગુપ્ત સૂચના મળી હતી.
ત્યારબાદ સ્પેશિયલ સેલની એક ટીમે નાવા શેવા પોર્ટ પરથી એક કન્ટેનર જપ્ત કર્યું હતું. જ્યારે તેની તપાસ કરવામાં આવી તો પોલીસના પણ હોંશ ઉડી ગયા હતા. ટીમે કન્ટેનરમાંથી લગભગ ૨૦ ટન હેરોઈન જપ્ત કર્યું છે. હવે પોલીસ સામે સૌથી મોટો સવાલ એ છે કે, ડ્રગ્સનો આટલો મોટો જથ્થો કોણે મંગાવ્યો હતો? તેની સાથે જ એ પણ સવાલ ઉઠી રહ્યો છે કે, તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ડ્રગ્સનો જથ્થો ભારતીય સીમામાં કેવી રીતે પ્રવેશ્યો? શું કોઈ પણ સ્તરે તેની તપાસ નહોતી કરવામાં આવી.
દિલ્હી પોલીસ દ્વારા થોડા દિવસ પહેલા જ ૧૨૦૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. સ્પેશિયલ સેલે બે અફઘાન નાગરિકોની ધરપકડ કરીને નાર્કો ટેરરનું મોટું ષડયંત્ર નાકામ કરવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. ગુપ્ત સૂચના પ્રમાણે મુંબઈ સ્થિત નાવા શેવા પોર્ટ પરથી ૧,૭૨૫ કરોડનું હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે.
પૂછપરછ દરમિયાન અફઘાન નાગરિકોએ ખુલાસો કર્યો હતો કે, મુંબઈ પોર્ટ પર પણ કન્ટેનરમાં ડ્રગ છે. આ સૂચનાના આધારે દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની ટીમ તપાસ કરવા માટે મુંબઈ પહોંચી હતી જ્યાં ૨૦ ટન હેરોઈન મળી આવ્યું હતું. આ મામલો ખૂબ જ ગંભીર ગણાવવામાં આવી રહ્યો છે
કારણ કે, ૨ દિવસ પહેલા જ વિશ્વના સૌથી મોટા ડ્રગ માફિયા ગણાતા અફઘાન નાગરિક નૂરજહીને યુએસ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. એંસીના દાયકામાં નૂર અફઘાનિસ્તાનની સંસ્થાઓથી લઈને વિશ્વના ઘણા દેશોમાં ડ્રગ્સના કારોબારમાં માસ્ટર હોવાનું કહેવાય છે.