Western Times News

Gujarati News

દક્ષિણ કોરિયાનાં ૩૦ જંગલોમાં ભીષણ આગ, કટોકટી જાહેર

સિઓલ, દક્ષિણ કોરિયાના દક્ષિણપૂર્વ વિસ્તારમાં લગભગ ૩૦ જંગલોમાં ભીષણ આગ ફાટી નીકળી છે. જેમાં અત્યાર સુધી ચાર લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. અહેવાલો મુજબ ૪,૭૦૦ એકરમાં આગ લાગતા ૨૦૦૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

હજારો અગ્નિશામકો અને ૧૦૦થી વધુ હેલિકોપ્ટર દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે. આગના કારણે ટ્રેન સેવા ખોરવાઈ ગઈ અને કેટલાક રસ્તાઓ બંધ કરી દેવાયા છે. આગ ઓલવવા માટે ૯,૦૦૦થી વધુનો સ્ટાફ કામે લાગ્યો છે.

સરકારે પ્રદેશના કેટલાક ભાગો માટે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. જોકે ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, ૩૦માંથી છ સિવાયની બધી આગ ઓલવાઈ ગઈ છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાજધાની સિઓલથી લગભગ ૨૫૦ કિલોમીટર દક્ષિણપૂર્વમાં આવેલા સાન્ચેઓંગ કાઉન્ટીમાં આગ ફાટી નીકળી હતી. સેન્ટ્રલ ડિઝાસ્ટર એન્ડ સેફ્ટી કાઉન્ટરમેઝર્સ હેડક્વાર્ટર અનુસાર, ૪ મૃતકોમાં બે ફાયર અધિકારીઓનો સમાવેશ થાય છે. ઘાયલ થયેલા છ લોકોમાંથી પાંચ લોકોની હાલત ગંભીર છે.મહત્વનું છે કે, આગ લાગવાના અનેક કારણો સામે આવ્યા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર સાન્ચેઓંગમાં એક ખેડૂતના લાન મોવરમાં લાગેલી આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. એક સરકારી અહેવાલ અનુસાર સિઓલથી લગભગ ૧૭૫ કિમી દક્ષિણપૂર્વમાં યુઇસોંગ કાઉન્ટીના એક કબ્રસ્તાનમાં બીજી આગ લાગી હતી.

આ ઉપરાંત કોરિયન દ્વીપકલ્પના દક્ષિણપૂર્વ બુસાનથી લગભગ ૩૨ કિમીના અંતરે આવેલા ગિમ્હે શહેરમાં કચરો સળગાવ્યા બાદ આગ ફાટી નીકળી હતી.સાન્ચેઓંગમાં લાગેલી આગ રવિવાર સુધીમાં ૩૦ ટકા જ્યારે યુઇસોંગમાં માત્ર ૩ ટકા આગ કાબુમાં આવી હતી.

દક્ષિણ કોરિયાના અધિકારીઓનું કહેવું છે કે શુષ્ક હવામાનને કારણે જંગલની આગ ઝડપથી વિશાળ વિસ્તારોમાં ફેલાઈ રહી છે, જેનાથી લોકોના જીવન જોખમમાં મુકાઈ રહ્યા છે. કોરિયા હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના સૌથી શુષ્ક મહિનાઓમાંના માર્ચ, એપ્રિલ અને મેનો સમાવેશ થાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.