અમદાવાદ જિલ્લાની ગૌચર જમીનો પર મોટાપાયે ગેરકાયદે દબાણો
જિલ્લા અધિકારીને 6 વર્ષમાં 70 ફરિયાદ મળી.
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેર કે જિલ્લામાં સરકાર હસ્તકની જમીનો પર દબાણ થઈ જવા એ સામાન્ય બાબત બની ગઈ છે. પરંતુ સરકાર ઘ્વારા પશુધન માટે ફાળવવામાં આવેલ ગૌચરની જમીનોમાં પણ મોટાપાયે દબાણો થઈ જાય છે જે અંગે જાગૃત નાગરિકો તરફથી ફરિયાદ મળ્યા બાદ તેનો મંથર ગતિએ નિકાલ થતો હોય છે. 2019 ની ફરિયાદ ના હજુ સુધી નિકાલ કરવામાં આવ્યા નથી તેવો લેખિત જવાબ ધારાસભ્યની જિલ્લા સંકલન બેઠકમાં આપવામાં આવ્યો છે.
જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા એ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ગૌચરની જમીનો પર થયેલા ગેરકાયદે દબાણો અંગે મળેલી અને નિકાલ કરવામાં આવેલી ફરિયાદ ની માહિતી માંગી હતી. તેના લેખિત જવાબ માં જણાવવામાં આવ્યું છે કે 2019માં ગૌચર માં ગેરકાયદેસર દબાણ મુદ્દે 27 ફરિયાદ મળી હતી.
જે પૈકી માત્ર 15 ફરિયાદ નો જ નિકાલ થયો છે. તેવી જ રીતે 2020ની 7 ફરિયાદ માંથી 05, 2021માં 11માંથી 8 ફરિયાદ ના નિકાલ થયા છે. 2022 અને 2023માં 100 ટકા ફરિયાદ ના નિકાલ કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જયારે 2024માં 02 ફરિયાદ મળી છે જે અંગે હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.
અમદાવાદ જિલ્લામાં ગૌચર જમીનોમાં મોટાપાયે ગેરકાયદે દબાણ થઈ ગયા છે.અધિકારીઓ આ બાબતથી વાકેફ છે. પરંતુ કોઈક દબાણના કારણે તેઓ કાર્યવાહી કરતા નથી તેમજ માત્ર જે ફરિયાદ મળે છે તેમાં જ કાર્યવાહી કરવામાં આવે છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.