Western Times News

Gujarati News

માતરમાં ભાજપનાં પૂર્વ ધારાસભ્ય સામે ભાજપમાં જ ઉકળતો ચરૂ

નડિયાદ, ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ ભાજપ દ્વારા આપવામાં આવેલા મેન્ડેટ ઉમેદવારની સામે જ ઉમેદવારી નોંધાવીને પરાજયનો સ્વાદ ચખાડયો હતો. જેથી માતર વિધાનસભાના સંગઠનના કાર્યકરોમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે.

કેસરીસિંહ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી ના હોવાથી આગામી દિવસોમાં તેઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની માંગ સાથે કાર્યકરોએ જિલ્લા ભાજપ પ્રમુખને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે સાથે સાથે આગામી દિવસોમાં આ બાબતે જો નિર્ણય લેવામાં નહીં આવે તો સંગઠનના હોદ્દેદારો સામૂહિક રાજીનામું આપશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

ખેડા જિલ્લા સહકારી સંઘમાં માતર તાલુકા બેઠક પર ભાજપના માતરના પૂર્વ ધારાસભ્ય સોલંકી કેસરીસિંહ જેસંગભાઈ (રહે.લીબાસી)એ ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી બળવો કરીને ભાજપમાં જોડાયેલા અને ભાજપના મેન્ડેટ ઉમેદવાર પરમાર ભગવતસિંહ કાળીદાસ (રહે.માતર) સામે ઉમેદવારી નોંધાવી હતી. તેને લઈને તાલુકા ભાજપમાં હલચલ મચી ગઈ હતી.

જો કે, ભાજપના ટોચના નેતાઓનો પનો ટૂંકો પડયો અને ભાજપના મેન્ડટ ઉમેદવારની સામે ઉમેદવારી નોંધાવનાર કેસરીસિંહનો વિજય થયો છે. ભાજપના ઉમેદવાર ભગતસિંહ હારી ગયા હતા. મંગળવારે બહાર પડેલા પરિણામ બાદ માતર તાલુકા ભાજપ સંગઠનમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો

અને આજે તમામ લોકો ભેગા થઈને જિલ્લા ભાજપ કાર્યાલય આવ્યા હતા અને જિલ્લા ભાજપના પ્રમુખને રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં જણાવ્યું હતું કે, ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહે અગાઉ પણ માતર એપીએમસીમાં ભાજપ વિરૂદ્ધ કામગીરી કરી હતી. તેમજ ભાજપને સત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો છતાં પણ પક્ષે તેની સામે કોઈ પગલાં ભર્યા નથી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.