મેટોડા ફેકટરીના ધડાકા પ્રકરણમાં ઓપરેટર સામે નોંધાતો ગુનો

વરસાદમાં પલળેલો સ્ક્રેપ ભટ્ટીમાં નાંખતા બ્લાસ્ટ થયો
રાજકોટ, લોધિકાના મેટોડા જીઆઈડીસીમાં આવેલી ફેકટરીમાં રવિવારે સવારે ઈલે. ભઠ્ઠીમાં બ્લાસ્ટ થતાં ૧૧ મજૂરને ઈજા પહોચી હતી અને એક મજૂરનું મૃત્યુ થયું હતું આ મામલે પોલીસે ફેકટરીના ભાગીદારની ફરિયાદ પરથી ફેકટરીના ઓપરેટર અને તપાસમાં ખૂલે તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત એવી છે કે મેટોડા જીઆઈડીસીમાં આવેલી પર્વ મેટલ નામની ફેકટરીમાં રવિવારે સવારે એકાએક ઈલે.ભઠ્ઠીમાં બ્લાસ્ટ થતાં કામ કરતા મજુરોમાં નાસભાગ મચી ગઈ હતી. અને શેડના પતરા ઉડીને આસપાસના વિસ્તારોમાં પડયા હતા.
આ બ્લાસ્ટમાં યુપી પંથકના અરવિંદ ચૌહાણનું મૃત્યુ નીપજયું હતું અને સુનીલ હરિકૃષ્ણ ચૌહાણ, સંજય શ્રીરામજી ચૌહાણ, પપ્પુ સુગર ગોર, શ્યામલાલ ભુરખનાથ ચૌહાણ, હરીન્દ્ર સોહન ચૌહાણ સહિતનાને ઈજા થવાથી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ બનાવ અંગેની જાણ થતા પોલીસ સ્ટાફ તથા એફએસએલનો સ્ટાફ દોડી ગયો હતો અને હાથ ધરેલી તપાસમાં આ ફેકટરી રાજકોટમાં પ્રદ્યુમન એસ્પાયર સ્પીડવેલ પાર્ટી પ્લ્ટ પાછળ રહેતા સહદેવસિંહ ડોશુભા ઝાલા સહિતના ભાગીદારોની હોવાનું ખુલ્યું હતું
અને ફેકટરીના ઓપરેટર અભિમન્યુ જગદીશ ચૌહાણે રાત્રીના પડેલા વરસાદના કારણે સ્ક્રેપ પલળેલ હોવા છતાં ભટ્ટીનું ટેમ્પરેચર કે પાણી કે જરૂરી ચકાસણી કર્યા વગર પલળેલ સ્ક્રેપ ઈલે. ભટ્ટીમાં નાખતા બ્લાસ્ટ થયો હતો. પોલીસે ફેકટરીના ભાગીદાર સહદેવસિંહ ઝાલાની ફરિયાદ પરથી ઓપરેટર અભિમન્યુ જગદીશ ચૌહાણ સહિતના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.