માવજીભાઈએ ભાજપનો સાથ છોડ્યો, અપક્ષમાં ઉમેદવારી ફોર્મ ભર્યું
(એજન્સી)ધાનેરા, બનાસકાંઠા જિલ્લાની ધાનેરા સીટ પર ભાજપના આગેવાન માવજીભાઈ દેસાઈએ ભાજપ સાથે છેડો ફાડીને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ધાનેરા સીટ પર ત્રિપાંખીયો જંગ થાય તેવા એધાણ સર્જાઇ રહ્યા છે. બનાસકાંઠાની ધાનેરા સીટ પર છેલ્લા બે ટર્મથી કોંગ્રેસના ઉમેદવાર વિજેતા બનતા આવ્યા છે.
આ વખતે ધાનેરા સીટ પર ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૌધરી સમાજના ઉમેદવારને ટિકિટ આપવામાં આવતા અન્ય સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. ભાજપના આગેવાન માવજીભાઈ દેસાઈએ પણ ભાજપ સાથે છેડો ફાડીને તમામ હોદ્દાઓ પરથી રાજીનામાં આપી દીધા છે.
આ સાથે સાથે તેમણે રબારી સમાજ અને ઠાકોર સમાજની સાથે ઇતર સમાજના લોકોનો સાથ મેળવીને અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે. માવજીભાઈ દેસાઈ દ્વારા ધાનેરા શહેરના મામા બાપજી મંદિર પાસે વિશાલ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સભા બાદ રોડ શો યોજીને અપક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી.
ભાજપ, કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓ સાથે ઠાકોર સેના આગેવાનો પણ માવજી દેસાઈની સાથે જાેવા મળ્યા હતા. માવજી દેસાઈ જ્યારે સભા સંબોધી રહ્યા હતા ત્યારે તેમની આંખોમાં દર્દ છલકાયું હતું. માવજીભાઈ દેસાઈના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ચિંતિત બન્યા હતા.
તેમણે જાહેર સભા અને રેલી યોજી ધાનેરા નાયબ કલેકટર કચેરી ખાતે અપક્ષમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે. તેમના સમર્થમનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને તેમને સમર્થન આપ્યુ હતુ. આ સાથે ધાનેરા સીટ પર હવે અપક્ષ ઉમેદવારી નોંધાવતા ત્રિપાંખિયો જંગ જામી શકે છે. આ સાથે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૌધરી પટેલને ટિકિટો આપતા રબારી સમાજ અને ઠાકોર સમાજ સહીત ઇતર સમાજમાં રોષ ફેલાયો છે.