મેડિકલ વિદ્યાર્થીઓ સાથે રાજ્યો ગુલામ મજૂર જેવા વ્યવહાર કરી શકે નહીં

AI Image
MBBS વિદ્યાર્થીઓ પર દુર્ગમ વિસ્તારોમાં ફરજિયાત સેવાની શરતની સુપ્રીમે ટીકા કરી
(એજન્સી)નવી દિલ્હી, ઓલ ઇન્ડિયા ક્વોટાના એમબીબીએસ વિદ્યાર્થીઓ પાસેથી દુર્ગમ વિસ્તારોમાં સેવા આપવાના બોન્ડ લેવાની રાજ્યોની નીતિની આકરી ટીકા કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે રાજ્યો આવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ સાથે ગુલામ મજૂર જેવો વ્યવહાર કરી શકે નહીં.ઉત્તરાખંડની ૨૦૦૯ની નીતિને ન્યાયી ઠેરવતા ઉત્તરાખંડ હાઇકોર્ટના ચુકાદા સામેની અરજીની સુનાવણી કરતાં સર્વાેચ્ચ અદાલતે આ અવલોકન કર્યા હતા.
રાજ્ય સરકારની આ નીતિ હેઠળ રાજ્યમાં મેડિકલ કોલેજોમાં અભ્યાસ કરતા ઓલ ઈન્ડિયા ક્વોટાના વિદ્યાર્થીઓ પાસેથી એક એવો બોન્ડ લેવામાં આવતો હતો કે તેઓએ સબસિડી ફીના બદલામાં પાંચ વર્ષ માટે દુર્ગમ વિસ્તારોમાં ફરજિયાત સેવા આપવી પડશે. ખંડપીઠે અવલોકન કર્યું હતું કે ઓલ ઈન્ડિયા ક્વોટામાં ક્વાલિફાઇ થનારા વિદ્યાર્થીઓ રાજ્ય ક્વોટા હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ કરતાં ઊંચું મેરિટ ધરાવતા હોય છે.
આ પ્રતિભાશાળી લોકો સાથે ગુલામ મજૂરો જેવો વ્યવહાર કેવી રીતે થઈ શકે?ઉત્તરાખંડ સરકારે કહ્યું હતું કે તે એક સ્વૈચ્છિક બોન્ડ છે, જેમાં કોર્ષ પૂર્ણ કરનારાઓને સબસિડી ફી પર કોર્ષ પૂર્ણ કરવાની મંજૂરી આપવામાં આવે છે અને બોન્ડ પર હસ્તાક્ષર ન કરનારા વિદ્યાર્થી પાસેથી વધુ ફી વસૂલ કરવામાં આવે છે.
વિદ્યાર્થીઓ પર શરતો લાદતા રાજ્યોની ટીકા કરતાં જણાવ્યું હતું કે રાજ્યો ઓલ ઈન્ડિયા ક્વોટાના વિદ્યાર્થીઓ પર શરતો લાદી શકે નહીં. રાજ્યો બોન્ડ ન આપવા બદલ લાખો રૂપિયાનો દંડ લાદી શકે અને તેમની સાથે ગુલામ મજૂર જેવો વ્યવહાર કરી શકે નહીં.ઘણા રાજ્યો દૂરના વિસ્તારોમાં ડોકટરોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે આવું કરી રહ્યા છે
તેવી કેન્દ્રના વકીલે રજૂઆત કરતાં ન્યાયાધીશ સૂર્યકાંતે જણાવ્યું હતું કે એક વિદ્યાર્થી એવા રાજ્યમાં અને ખાસ કરીને દૂરના વિસ્તારોમાં કેવી રીતે સેવા આપી શકે, જ્યાં તે રહેતો નથી? ઉદાહરણ તરીકે તમિલનાડુનો એક વિદ્યાર્થી ઉત્તરાખંડના દુર્ગમ વિસ્તારોમાં કેવી રીતે સેવા આપશે? ઉત્તરાખંડના દૂરના વિસ્તારમાં રહેતો દર્દી પોતાની વેદના તમિલનાડુના ડૉક્ટરને જણાવી શકશે નહીં અને ડૉક્ટર સારા ઇરાદા હોવા છતાં દર્દીની સારવાર કરી શકશે નહીં.