રાજસ્થાન અને છત્તીસગઢની કોલેજોમાં હિન્દી ભાષામાં MBBS શિક્ષણ આપવાની જાહેરાત
હવે એમબીબીએસ ભણી શકાશે હિન્દી ભાષામાં
(એજન્સી)નવી દિલ્હી, હવે એમબીબીએસ ભણી શકાશે હિન્દીમાં, આ રાજ્યોમાં મળશે હિન્દીમાં ડૉક્ટર બનવાની સવલતવર્ષ ૨૦૧૪ માં મોદી સરકારે પહેલીવાર દેશની ધૂરા સંભાળેલી ત્યારથી ભારતની શૈક્ષણિક પદ્ધતિમાં ધરમૂળથી પરિવર્તન આણવાની વાતો સંભળાતી હતી.
આ દિશામાં તાજેતરમાં એક મોટી પહેલ કરવામાં આવી છે અને તે એ કે દેશના અમુક રાજ્યોમાં ડૉક્ટર બનવા માટેનો એમબીબીએસ કોર્સ હવે હિન્દી ભાષામાં આૅફર કરવામાં આવશે.
હાલમાં જ રાજસ્થાન અને છત્તીસગઢની સરકારે રાજ્યની કોલેજોમાં અંગ્રેજી ઉપરાંત હિન્દી ભાષામાં પણ મેડિકલ શિક્ષણ આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાત ૧૪ સપ્ટેમ્બરના રોજ ‘હિન્દી દિવસ’ની ઉજવણી દરમિયાન કરવામાં આવી હતી. રાજસ્થાન સરકાર હિન્દીમાં વાય ની રજૂઆત તબક્કાવાર કરવા જઈ રહી છે.
સૌપ્રથમ રાજ્યની બે મેડિકલ કોલેજો ૨૦૨૪-૨૦૨૫ના શૈક્ષણિક સત્રથી આ ફેરફાર અપનાવશે. આ કોલેજ છે જોધપુરની ‘સંપૂર્ણાનંદ મેડિકલ કોલેજ’ અને મારવાડ મેડિકલ યુનિવર્સિટી હેઠળ સંલગ્ન ‘બાડમેર મેડિકલ કોલેજ’.
રાજસ્થાન મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ સેક્રેટરી ગાયત્રી રાઠોડે જણાવ્યું હતું કે, ‘હિન્દીમાં એમબીબીએસ કરવું વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક રહેશે.’ તબીબી શિક્ષણ હિન્દીમાં આપવાની રજૂઆત રાજ્યના બજેટનો હિસ્સો હતો, એમ તેમણે જણાવ્યું હતું. ‘હિન્દી દિવસ’ નિમિત્તે છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈએ પણ શનિવારે જાહેરાત કરી હતી કે, ‘ચાલુ શૈક્ષણિક સત્રથી છત્તીસગઢમાં એમબીબીએસ નો અભ્યાસક્રમ હિન્દીમાં આપવામાં આવશે.
૨૦૨૨ માં ઉત્તર પ્રદેશમાં એક રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વ્યક્ત કરવામાં આવેલ વિઝનને અમલમાં મૂકવા માટે અમે ખુશ છીએ.’ આ દિશામાં પહેલ કરનારું પહેલું રાજ્ય મધ્યપ્રદેશ હતું. આૅક્ટોબર ૨૦૨૨ માં મધ્યપ્રદેશની મેડિકલ કોલેજોમાં પ્રથમ વર્ષ એમબીબીએસનો અભ્યાસક્રમ હિન્દીમાં શરૂ કરવામાં આવ્યો હતો. એ પછી બિહાર, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ પણ હિન્દીમાં એમબીબીએસનો કોર્સ આૅફર કરવાની જાહેરાત કરી હતી.
રાજસ્થાન અને છત્તીસગઢની જાહેરાત સાથે હવે દેશના કુલ છ રાજ્યમાં વિદ્યાર્થીઓને આવી સવલત મળશે. આ તમામ રાજ્યો ભાજપા શાસિત છે. હિન્દી ભાષી રાજ્યો હિન્દીમાં તબીબ બનવાની તક આપે તો અન્ય રાજ્યો કેમ પાછળ રહે? તમિલનાડુએ પણ ટૂંક સમયમાં તમિલ ભાષામાં એમબીબીએસ નો અભ્યાસક્રમ ભણાવવાની જાહેરાત કરી છે. દક્ષિણના અન્ય રાજ્યો પણ તમિલનાડુને અનુસરે એવી શક્યતા ખરી.
દેશના ઘણા રાજ્યોમાં હજુ પણ હિન્દી માધ્યમમાં ભણનાર બાળકોની સંખ્યા ઘણી મોટી છે. ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં હજુ સુધી અંગ્રેજીમાં શાળાકીય શિક્ષણની સગવડ નથી પહોંચી. ત્યારે હિન્દી માધ્યમમાં ભણેલ આવા વિદ્યાર્થીઓ હિન્દીમાં જ ડૉક્ટરી કરવાની મળેલ તકનો લાભ લઈ શકશે. બીજો એક લાભ એ થશે કે હિન્દી ભાષાની વૈશ્વિક સ્તરે વિશેષ પ્રકારે નોંધ લેવાશે.