Western Times News

Gujarati News

વટવામાં ૨૨.૯૭ લાખના MD ડ્રગ્સના જથ્થા સાથે ડીલર ઝબ્બે

પ્રતિકાત્મક

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરમાં એમડી ડ્રગ્સનું ચલણ એટલી હદે વધી ગયું છે કે તેને રોકવું હવે લગભગ શક્ય નથી. રોજ બિલાડીના ટોપની જેમ પેડલર્સ વધી રહ્યા છે, જેમનો ટાર્ગેટ રાતોરાત રૂપિયા કમાવવાનો છે. ક્રાઇમ બ્રાંચે, પીસીબી, લોકલ ક્રાઇમ બ્રાંચ તેમજ સ્થાનિક પોલીસ એમડી ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કરવા માટે મહેનત કરે છે,

પરંતુ આ ધંધો એટલી હદે ફેલાઇ ગયો છે કે તે બંધ થવાનું નામ નથી લઇ રહ્યો. ગઇ કાલે ક્રાઇમ બ્રાંચની ટીમે વટવા વિસ્તારમાંથી ૨૨.૯૭ લાખ રૂપિયાના એમડી ડ્રગ્સના જથ્થા સાથે મોટા ડીલરની ધરપકડ કરી છે. ડીલરે રાજસ્થાનના માફિયા પાસેથી લાખો રૂપિયાનું ડ્રગ્સ ખરીદયું હતું.

ડ્રગ્સ ખરીદ્યા બાદ તે નાના નાના પેડલર્સને જથ્થો આપતો હતો. ક્રાઇમ બ્રાંચે ડીલરની ધરપકડ કર્યા બાદ હવે એક પછી એક પેડલર્સની ધરપકડ કરવાનો સિલસિલો ચાલુ થશે.

ક્રાઇમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે વટવા વિસ્તારમાં આવેલા બાગે શાહ-એ-આલમ સોસાયટીના મકાનમાં ઝાકિર હુસેન ઉર્ફે જિગે શેખ રહે છે અને તે પોતે એમડી ડ્રગ્સનો ધંધો કરી રહ્યો છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમ પંચને લઇ વટવા ખાતે ઝાકિર હુસેનના ઘરમાં પહોંચી ગઇ હતી.

ઝાકિર હુસેન ઘરમાંથી મળી આવતાં તેણે પોતાની પાસે ડ્રગ્સ નહીં હોવાનું રટણ કર્યું હતું, જાેકે ક્રાઇમ બ્રાંચે આખા ઘરની તલાશી લીધી હતી. ઘરની તલાશી બાદ રસોડામાં ફ્રીઝ પાસેથી એક કાળા કલરનો થેલો મળી આવ્યો હતો, જેમાં પીળા કલરનો પાઉડર હતો અને કેટલીક ઝિપ બેગ અને વજન કાંટો હતો.

પીળા કલરનો પાઉડર મળતાં ક્રાઇમ બ્રાંચ પણ અચંબામાં મુકાઇ ગઇ હતી અને તે એમડી ડ્રગ્સ છે કે પછી બીજું કોઇ ડ્રગ્સ છે તે જાણવા માટે એફએસએલની મદદ લીધી હતી. એફએસએલની ટીમે ઘટનાસ્થળે આવીને પીળા પાઉડરનું પરીક્ષણ કર્યું હતું, જેમાં સામે આવ્યું હતું કે તે એમડી ડ્રગ્સ છે.

ક્રાઇમ બ્રાંચે ઝાકિર હુસેનની ધરપકડ કરી લીધી હતી અને તેની પાસેથી ૨૨.૯૭ લાખ રૂપિયાનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યું હતું. ઝા?કિરની ધરપકડ બાદ તેને ક્રાઇમ બ્રાંચ વડી કચેરીએ લઇ આવી હતી, જ્યાં તેની આગવી સ્ટાઇલથી પૂછપરછ કરવામાં આવી હતી.

પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે ઝાકિરે રાજસ્થાનના પ્રતાપગઢ ખાતે રહેતા ડ્રગ્સ માફિયા અમન પઠાણ પાસેથી એમડી ડ્રગ્સ ખરીદયું હતું. ક્રાઇમ બ્રાંચે ઝાકિર હુસેન, અમન પઠાણ અને લાલા નામના યુવક વિરુદ્ધ નાર્કોટિક્સનો કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ક્રાઇમ બ્રાંચનાં સૂત્રોના જણાવ્યા અનુસાર ઝાકિર હુસેન મોટી માત્રામાં ડ્રગ્સ ખરીદીને નાના પેડલર્સને ધંધો કરવા માટે આપતો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.