Western Times News

Gujarati News

પોલીસ નાની માછલીઓને પકડતી હતી હવે ડ્રગ્સની દુનિયાનો મગરમચ્છ હાથે લાગ્યો

ક્રાઈમ બ્રાંચે ત્રણ ડ્રગ્સ માફિયાની ધરપકડ કરીને કુલ આઠ લોકો વિરૂદ્ધ અલગ અલગ ફરિયાદ નોંધી

નારોલ અને છારોડી પાસેથી 1.11 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપાયુ

(એજન્સી)અમદાવાદ, ક્રાઈમ બ્રાંચની ટીમે શહેરની બે અલગ અલગ જગ્યા પર ઓપરેશન પાર પાડીને ૧.૧૧ કરોડ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે ત્રણ લોકોની ધરપકડ કરી છે. અત્યાર સુધી ક્રાઈમ બ્રાંચ નાની નાની માછલીઓને પકડીને ખુશ થતી હતી ત્યારે હવે ડ્રગ્સની દુનિયાનો મગરમચ્છ તેના હાથે લાગી ગયો છે.

અમદાવાદ પોલીસ, ક્રાઈમ બ્રાંચ, એટીએસ સહિતની સુરક્ષા એજન્સીઓએ એમડી ડ્રગ્સના નેટવર્કનો જ્યારે પણ પર્દાફાશ કર્યો છે ત્યારે મુંબઈના ડ્રગ્સ માફિયાના નામ દરેક વખતે સામે આવ્યા છે. એમડી ડ્રગ્સની વેચવાની શરૂઆત મુંબઈથી થઈ અને અમદાવાદ સુધી પહોંચી છે ત્યારે હવે રાજસ્થાન પણ ચર્ચામાં આવી રહ્યું છે.

અમદાવાદના ડ્રગ્સ માફિયા હવે મુંબઈથી એમડી ડ્રગ્સ મગાવવાની જગ્યાએ રાજસ્થાનથી મગાવી રહ્યા હોવાનો ઘટસ્ફોટ મોડી રાતે ક્રાઈમ બ્રાંચની ટીમે કર્યો છે.

ક્રાઈમ બ્રાંચની ટીમે નારોલથી વિશાલા જવા રોડ પરથી તૌફિક ઉર્ફે ટાઈગર ઘાંચી (રહે, મખદુપાર્ક, જુહાપુરા) તેમજ સુહૈલઅશરફ મનસુરી (રહે.ઉદયપુર)ની પર.૧૮ લાખ રૂપિયાના એમડી ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરી છે.

સુહૈલ અશરફ મનસુરી ઉદયપુરથી એક કિલો એમડી ડ્રગ્સ લાવ્યો હતો જેમાંથી અડધું ડ્રગ્સ તેણે વેચી દીધું હતું જ્યારે બીજું ડ્રગ્સ તૌફિકને આપવા માટે આવ્યો હતો. તૌફિક અવારનવાર ઉદયપુરના ડ્રગ્સ માફિયા આરિફમહંમદ ઉર્ફે દીપુ પાસેથી ડ્રગ્સનો જથ્થો મંગાવતો હતો.

પહેલા આરિફમહંમદ ડ્રગ્સ આપવા માટે આવતો હતો. પરંતુ બે દિવસ પહેલા તેનો સાગરીત સુહૈલ અશરફ મનસુરી આપવા માટે આવ્યો હતો. સુહૈલ અશરફ મનસુરીએ શાહપુરના ઈમરાન પઠાણ અને જુહાપુરાના ઝહિર વોરાને ડ્રગ્સનો જથ્થો આપ્યો હતો.

આ સાથે ગઈ કાલે ક્રાઈમ બ્રાંચની બીજી ટીમે છારોડી પાસેથી પ૯.૪૮ લાખના એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક રિક્ષાચલાકને ઝડપી પાડ્યો છે. રિક્ષા ચલાવવાની આડમાં ફતેહવાડી વિસ્તારમાં આવેલા નાઝમીન પાર્કમાં રહેતો ઝાકીરહુસેન શેખ એમડી ડ્રગ્સનો ધંધો કરતો હતો.

ઝાકિરહુસેન શેખ પાલનપુરના કાણોદર ગામમાં રહેતા મુનુ નામના માફિયા પાસેથી એમડી ડ્રગ્સ લેવા માટે ગયો હતો. ઝાકિરહુસેન તેના ભાઈ અનવરહુસેન સાથે મળીને છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સનો કારોબાર ચલાવતો હતો.

બંને ભાઈઓ કરોડો રૂપિયાનું એમડી ડ્રગ્સ પાલનપુરના કાણોદર પાસેથી લાવતા હતા. ક્રાઈમ બ્રાંચે બંને કેસમાં કુલ ૧.૧૧ કરોડ રૂપિયાના એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.