અમદાવાદ ખાતે ખો-ખો અને ઇન્ડિયન રાઉન્ડ આર્ચરી ગેમ્સની મેડલ સેરેમની યોજાઈ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/10/National2.jpg)
પંચમહાલના વતની અમિતા રાઠવાએ વિમેન ઈન્ડિવિજ્યુઅલ ઇન્ડિયન રાઉન્ડ આર્ચરીમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરી ગુજરાતનું ગૌરવ વધાર્યુંઃ ખો-ખોમાં મહારાષ્ટ્રની વિમેન અને મેન્સ ટીમનું શાનદાર પ્રદર્શનઃ ગુજરાતની મહિલા ટીમે વિમેન ઈન્ડિવિઝ્યુઅલ ઇન્ડિયન રાઉન્ડ આર્ચરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો
અમદાવાદ, ૩૬મી નેશનલ ગેમ્સ-૨૦૨૨ અંતર્ગત આજરોજ સંસ્કાર ધામ સ્પોર્ટ્સ અકાદમી, બોપલ, અમદાવાદ ખાતે વિમેન અને મેન્સની ખો-ખો ટીમો વચ્ચે ફાઈનલ મેચ યોજાઈ હતી. ખો-ખોમાં મહારાષ્ટ્રની વિમેન અને મેન્સ ટીમનું શાનદાર પ્રદર્શન રહયું હતું.મહારાષ્ટ્રની બંને ટીમોના ગોલ્ડન પ્લેયર્સએ ગોલ્ડ મેડલ પર કબ્જાે જમાવ્યો હતો.
ઓડિશાની વિમેન ટીમ દ્વિતીય ક્રમમા સિલ્વર અને દિલ્હીની વિમેન ટીમ તૃતીય ક્રમમાં બ્રોન્ઝ મેડાલિસ્ટ બની હતી. ઉપરાંત કેરળ મેન્સ ટીમ સિલ્વર અને પ.બંગાળ મેન્સ ટીમ બ્રોન્ઝ મેડાલિસ્ટ બની હતી. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રની વિમેન અને મેન્સ બંને ટીમોએ ૩૬મી નેશનલ ગેમ્સ-૨૦૨૨માં ખો-ખો રમતમાં પોતાની અદભુત ચપળતાનું પ્રદર્શન કર્યું હતું.
નેશનલ ગેમ્સ-૨૦૨૨ દેશના ઉભરતા રમતવીરો માટે રમત ગમતની સાથે લર્નિંગનું પ્લેટફોર્મ પણ બની રહી છે. આજે સંસ્કાર ધામ સ્પોર્ટ્સ એકેડેમી, અમદાવાદ ખાતે ખો-ખો અને ઇન્ડિયન રાઉન્ડ આર્ચરી ગેમ્સમા વિજેતા ટીમોને અને ખેલાડીઓને ઈનામ વિતરણ માટે ભવ્યાતિભવ્ય રંગારંગ મેડલ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેડલ સેરેમનીમાં ખો-ખો રમતમાં વિજેતા એકથી તૃતીય ક્રમાંક પ્રાપ્ત વિમેન અને મેન્સ ટીમના પ્લેયર્સને મેડલ અર્પિત કરીને સમ્માનિત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ઇન્ડિયન રાઉન્ડ આર્ચરી ગેમ્સની મેડલ સેરેમની પણ યોજાઈ હતી. પંચમહાલ જિલ્લાના વતની ગુજ્જુ ગર્લ અમિતા રાઠવાએ વિમેન ઈન્ડિવિઝ્યુઅલ ઇન્ડિયન રાઉન્ડ આર્ચરીમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું. ગુજરાતની મહિલા ટીમે વિમેન ઈન્ડિવિઝ્યુઅલ ઇન્ડિયન રાઉન્ડ આર્ચરીમાં બ્રોન્ઝ મેડલ પણ પ્રાપ્ત કર્યો હતો.
ઉચ્ચ અને તકનિકી શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ રાજ્યકક્ષા-ગુજરાત સરકારના મંત્રી પ્રો.કુબેરભાઈ ડીંડોરએ ઇન્ડિયન આર્ચરી રાઉન્ડ મેડલ સેરેમનીમાં ઉપસ્થિતિ રહી આર્ચરી પ્લેયર્સનો ઉત્સાહ વધાર્યો હતો અને વિજેતા આર્ચરી ટીમ અને ખેલાડીઓને મેડલ અર્પિત કરીને સમ્માનિત કર્યા હતા.
ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી પ્રો.કુબેરભાઈ ડીંડોરે ખેલાડીઓને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, ભારતમાં વિશ્વકક્ષાના ખેલાડીઓ છે, ગુજરાત ૩૬મી નેશનલ ગેમ્સ-૨૦૨૨નું આયોજન કરીને ઉત્સાહિત છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, આપ સૌ ખેલાડીઓ સમગ્ર ભારતનું ગૌરવ છો. ૩૬મી નેશનલ ગેમ્સ-૨૦૨૨ અનેક પ્રકારે ખાસ છે ઉપરાંત આ રમતોત્સવમાં દેશના વિવિધ પ્રદેશોમાંથી,ગામડાઓમાંથી ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે અને ઉત્સાહિત પણ છે.