રાજ્ય અને મ્યુનિસિપલ મેડિકલ, પેરામેડિકલ સ્ટાફની માંદગી સિવાયની રજાઓ રદ કરાઈ

અમદાવાદથી ૭૫ નવી એમ્બ્યુલન્સ કચ્છ સહિત અન્ય શહેરોમાં મોકલવામાં આવી
(પ્રતિનિધિ) અમદાવાદ, ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલ યુદ્ધની પરિસ્થિતિ ને ધ્યાન માં લઇ રાજ્ય સરકારે મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ ને હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપ્યા છે સરકારના આદેશ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે પણ માંદગી સિવાય રજા ન લેવા અને હેડક્વાર્ટર પર હાજર રહેવા પરિપત્ર કર્યો છે.
આ ઉપરાંત અમદાવાદ થી ૭૫ જેટલી એમ્બ્યુલન્સ કચ્છ સહિત વિવિધ સ્થળોએ મોકલવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો તેમજ આરોગ્ય સેવાઓ સાથે સંકળાયેલા તમામ તબીબો, પેરામેડિકલ તથા અન્ય અધિકારીઓ તેમજ કર્મચારીઓની તમામ પ્રકારની મંજૂર થયેલી માંદગી સિવાયની રજાઓ, વેકેશન રજાઓ તાત્કાલિક અસરથી અન્ય હુકમો ન થાય ત્યાં સુધી રદ કરવામાં આવી છે.
દેશમાં અને રાજ્યમાં સર્જાયેલી આકસ્મિક પરિસ્થિતિ અને સંજોગોને ધ્યાનમાં લઈને આરોગ્યલક્ષી સેવાઓ નિરંતર મળતી રહે અને તબીબી સેવાઓ કાર્યરત રહે તે માટે છસ્ઝ્ર કમિશનર બંછાનિધિ પાનીએ સરક્યુલર જારી કરીને તેનો તાતકાલિક અસરથી કડક અમલ કરવા સૂચના આપવામાં આવી છે.
આરોગ્ય વિભાગ હસ્તકના આરોગ્યલક્ષી સેવાઓ સાથે સંકળાયેલા તબીબો, અન્ય સ્ટાફની રજાઓ મંજૂર થઈ હોય અને જેમણે હેડક્વાર્ટર છોડી દીધા હોય તે તમામ અધિકારીઓ, સ્ટાફને મૂળ ફરજો પર તાત્કાલિક અસરથી હાજર થવા તેમજ રજઓ મંજૂર થઈ હોય
અને જેમણે હેડક્વાર્ટર છોડ્યું ન હોય તેમને હેડક્વાર્ટર નહીં છોડવા માટે આદેશ આપવામાં આવ્યો છે. આરોગ્યલક્ષી સેવાઓ સાથે સંકળાયેલા તબીબી સ્ટાફને જે તે ખતાના અધિકારીની પૂર્વ મંજૂરી વિના હેડક્વાર્ટર નહીં છોડવા સૂચના આપવામાં આવી છે.
ઇમર્જન્સીની સ્થિતિ થાય તો એને પહોંચી વળવા રાજ્યના આરોગ્ય વિભાગ હસ્તકની આરોગ્યલક્ષી સેવાઓ સાથે સંકળાયેલા તમામ તબીબો, પેરામેડિકલ તથા અન્ય અધિકારી-કર્મચારીઓની માંદગી સિવાયની તમામ પ્રકારની રજાઓ રદ કરવામાં આવી છે. તેમની ફરજ પર તાત્કાલિક હાજર થવા આપ્યો છે. આ ઉપરાંત હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરાયો છે.
આ સાથે આરોગ્ય વિભાગ દવાઓનો પૂરતો સ્ટોક, ડોક્ટરોની ટીમો, લાઈટ કટ થાય તો જનરેટરોની વ્યવસ્થા કરવા સહિતની સૂચનાઓ આપી દેવામાં આવી છે. ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે અમદાવાદથી ૭૫ નવી એમ્બ્યુલન્સ કચ્છ, ભૂજ,જામનગર અને દ્વારકા મોકલવમાં આવી છે. ભુજમાં ૩૦ એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવામાં આવી.