૧૨ ઓગસ્ટ, ૨૦૨૪ સુધી રાજ્યમાં ભારે/હળવાથી મધ્યમ વરસાદની આગાહી
અધિક કલેક્ટર શ્રી કલ્પનાબેન ગઢવીના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ
અધિક કલેક્ટર SEOC શ્રી કલ્પનાબેન ગઢવીના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર – SEOC ગાંધીનગર, ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો અધિક કલેક્ટર SEOC શ્રી કલ્પનાબેન દ્વારા આપવામાં આવ્યા હતા.
આ બેઠકમાં IMD ના અધિકારીશ્રી દ્વારા વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી સપ્તાહ દરમિયાન તા.૦૬ ઓગસ્ટ થી ૧૨ ઓગસ્ટ, ૨૦૨૪ સુધી રાજ્યમાં ભારે/હળવા થી મધ્યમ વરસાદની આગાહી બાબતે અધિક કલેકટરશ્રી દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી અને પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા કરી સંભવિત જોખમો સામે એલર્ટ રહેવા જણાવ્યું હતું.
હાલમાં પરિસ્થિતિને ધ્યાને રાખી વરસાદ બંધ થયા બાદ પાણી ભરાઈ ન રહે, રોગચાળો ન ફેલાય તથા બંધ રોડ-રસ્તા સત્વરે પૂર્વવત કાર્યરત થાય તે અંગે સંબંધિત લાઈન ડિપાર્ટમેન્ટને જરૂરી કાર્યવાહી કરવા શ્રી કલ્પનાબેન ગઢવીએ જણાવ્યું હતું તથા સરદાર સરોવર ડેમ અને નદીઓના લેવલ અંગે લાઈન ડીપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં સિંચાઈ, SSNNL, CWC- Mahi Division, ફોરેસ્ટ, આરોગ્ય, BISAG-N, ફિશરીઝ, ઇન્ડિયન નેવી, કોસ્ટ ગાર્ડ, જી.એમ.બી., ઊર્જા, માર્ગ અને મકાન, GSRTC, યુ.ડી.ડી, ફાયર, પંચાયત, પશુપાલન, ICDS, ફૂડ એન્ડ સિવિલ સપ્લાય, કૃષિ, તથા ઈન્ડિયન એરફોર્સના નોડલ અઘિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.