મીનાકારી, સિવણ સહીત વિવિધ તાલીમ દ્વારા વંચિત મહિલાઓ બની આત્મનિર્ભર

‘વિંગ્સ ટુ ફ્લાય ધ ફાઉન્ડેશન’ સંસ્થાની મદદથી મહિલા બુટલેગરો તેમના વ્યવસાયમાંથી મુક્ત થઇ આત્મનિર્ભર બની: સુશ્રી અર્પિતા વ્યાસ સંસ્થાના વડા
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મહિલા સશક્તીકરણ પર G20 મિનિસ્ટરીયલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ આ કોન્ફરન્સ અંતર્ગત આયોજિત પ્રદર્શનનો મહાત્મા મંદિર ખાતે શુભારંભ કરાવ્યો હતો.
જેમાં ‘ઇન્ડિયા@૭૫:મહિલાઓનું યોગદાન’ થીમ આધારિત પ્રદર્શન યોજાઈ રહ્યું છે. આ પ્રદર્શનમાં ‘વિંગ્સ ટુ ફ્લાય ધ ફાઉન્ડેશન’ સંસ્થાનો સ્ટોલ પણ છે.
‘વિંગ્સ ટુ ફ્લાય’ સંસ્થા ગુજરાતમાં અમદાવાદ, બરોડા, ખેડા, સુરત અને મધ્ય પ્રદેશના ઈન્દોરમાં કાર્યરત છે અને ૧૦ વર્ષની સફરમાં ૨૫,૦૦૦થી વધુ મહિલાઓ સુધી પહોંચી તેમને સક્ષમ કરવામાં મહત્વનું યોગદાન આપી ચુકી છે. આ સંસ્થાએ અમદાવાદ અને ખેડામાં બાળ વિકાસ કેન્દ્ર પણ શરૂ કર્યા છે.
જેમાં ૫૦૦૦થી વધુ ઝૂંપડપટ્ટીના બાળકોને ભોજન પૂરું પાડવાથી લઈ તેમના વિકાસ માટે પણ કાર્યો કર્યા છે. સાથે સાથે છેલ્લા એક વર્ષમાં ૮૪૫થી વધુ મહિલાઓને વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓ સાથે જોડ્યા છે,
૫૭ મહિલાઓને ઉદ્યોગસાહસિકતા વિકાસ કેન્દ્ર અને રાજ્ય સરકારની મદદથી ઉદ્યોગ સાહસિકતાની તાલીમ આપી છે, ૫૦ બાળકોને શિક્ષણ અને અધ્યયનની સહાય પૂરી પાડી છે, ૮૦ મહિલાઓ અને યુવતીઓને બ્યુટી અને વેલનેસ કોર્સની તાલીમ પણ આપી છે.
‘વિંગ્સ ટુ ફ્લાય ધ ફાઉન્ડેશન’ સંસ્થાએ ગુજરાત પોલીસ વિભાગની મદદથી “સખી સહાય” પ્રોજેક્ટની શરૂઆત કરી છે. જેમાં અમદાવાદના વિસ્તારોમાં મહિલા બૂટલેગર્સને એ કાર્ય છોડવા પ્રોત્સાહિત કરે છે અને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાઈ માન સમ્માનભર્યું જીવન જીવવા અને આત્મનિર્ભર થવા જુદા જુદા ક્ષેત્રોની તાલીમ પણ આપે છે.
વર્ષ ૨૦૧૩માં ગુજરાત પોલીસ વિભાગની મદદથી એક પાઈલોટ પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો જેમાં અમદાવાદના વિસ્તારોમાં બૂટલેગીંગના ધંધામાં કાર્યરત આશરે ૧૪૦ બહેનો સાથે કાઉનસેલિંગ કરી તેમને સમાજમાં સમ્માનભર્યું જીવન જીવવા અને તેમનામાં સુધારાત્મક વર્તણુંક લાવવાના માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તેમને જુદા જુદા ક્ષેત્રોની તાલીમ આપવા માટે કુબેરનગર અમદાવાદમાં પોલીસ ચોકીએ જગ્યા પૂરી પાડી હતી અને ‘વિંગ્સ ટુ ફ્લાય ધ ફાઉન્ડેશન’ સંસ્થાએ ત્યારે ૬ મહિલા બૂટલેગર્સને આ કાર્ય છોડવા માટેના પાઈલોટ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. આ બહેનોને બે વર્ષ માટે મીનાકારીની તાલીમ આપવામાં આવી હતી
જેના માટે તેમને પ્રતિ દિન રૂ. ૨૦૦નું ભથ્થું પણ આપવમાં આવ્યું હતું. સમય જતા ઘણી મહિલાઓ આ સંસ્થા સાથે જોડાઈ અને બૂટલેગીંગ છોડી ‘સખી સહાય’ અંતર્ગત સીવણની તાલીમ પણ લીધી છે.
સંસ્થાના વડા અર્પિતા વ્યાસનું કહેવું છે કે, ‘વિંગ્સ ટુ ફ્લાય ધ ફાઉન્ડેશન’ સંસ્થા ૨૦૧૩થી અમદાવાદમાં કાર્યરત છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓનું સશક્તિકરણ, બાળ કલ્યાણ, શિક્ષણ અને શાળા વિકાસ માટે કામ કરવાનો છે. સંસ્થાની મુખ્ય પ્રવૃત્તિઓમાં કાઉન્સેલિંગ, વ્યાવસાયિક તાલીમ,
જાગૃતિ તાલીમ દ્વારા મહિલાઓ, કિશોરીઓ અને બાળકોના સશક્તિકરણ સાથે તેમના શિક્ષણ અને રમતગમતનો સમાવેશ થાય છે. તેઓ કહે છે કે, ગુજરાત પોલીસ વિભાગના સમર્થન અને પ્રોત્સાહન સાથે આ કાર્યો સફળ રહ્યા છે. પોલીસ વિભાગ તરફથી સિવણ મશીન અને આર્થિક સહાય પણ પૂરી પાડવામાં આવી છે.
સંસ્થાએ પોલીસ વિભાગની મદદથી બે માસ માટે ૩૦ બહેનોને સીવણની તાલીમ આપી છે અને પ્રતિ દિન રૂ. ૨૦૦નું ભથ્થું પણ આપવામાં આપવામાં આવ્યું છે. સંસ્થાએ ટાટા ટ્રસ્ટની મદદથી કમ્યુનિટી ડેવેલપમેન્ટ અને ગોદરેજની મદદથી આશરે ૩૦૦ મહિલાઓ અને યુવતીઓને બ્યુટી અને વેલનેસ કોર્સની તાલીમ પણ આપી છે જેથી તે આત્મનિર્ભરતા સાથે આવક મેળવવા તેમના ઘરમાં પોતાનું બ્યુટી પાર્લર શરૂ કરી શકે.