ભાઈની જિંદગી બચાવવા IVFથી બહેનનો જન્મ
જૂનાગઢ: ભારતની પહેલી સેવિયર સિબલિંગ (બચાવનાર બહેન) કાવ્યા સોલંકીને મળો. મોટા ભાઈ કે બહેનને અંગ, બોન મેરો અથવા સેલ્સ ડોનેટ કરીને નવજીવન આપવા માટે બાળક તૈયાર કરાય છે. થેલેસેમિયા બ્લડ ડિસઓર્ડર સામે લડવા માટે સેવિયર સિબલિંગના કોર્ડ બ્લડ અથવા લોહીમાંથી સ્ટેમ સેલ્સ લેવામાં આવે છે.
સેવિયર સિબલિંગ આઈવીએફથી તૈયાર કરાય છે જેથી પ્રી-ઈમ્પ્લાન્ટેશન જેનિટિક ડાયગ્નોસ (અથવા ટેસ્ટ) કરી શકાય. આની મદદથી જાણી શકાય છે કે, બાળકમાં કોઈ આનુવંશિક ખામી છે કે કેમ, સાથે જ બોન મેરો અનુકૂળ છે કે નહીં તે ચકાસી શકાય. એડમ વિશ્વનો પહેલો સેવિયર સિબલિંગ છે અને તેનો જન્મ યુએસમાં ૨૦૦૦ની સાલમાં થયો હતો. હવે કાવ્યા સોલંકી ૧ વર્ષની થઈ ગઈ છે.
ફર્ટિલિટી ક્લિનિક્સને ચેઈન નોવા આઈવીએફ દ્વારા કાવ્યાને તૈયાર કરાઈ હતી. કાવ્યાએ પોતાના ભાઈ અભિજીતની જિંદગી બચાવી છે. અભિજીત થોડા જ મહિનાનો હતો ત્યારે તેને થેલેસેમિયા હોવાનું નિદાન થયું હતું. ૬ વર્ષની જિંદગીમાં અભિજીતને ૮૦ વખત લોહી ચડાવાયું છે અને થેરાપી (આયર્નનો ભાર ઓછો કરવા દવાઓ ઈન્જેક્ટ કરવી) આપવામાં આવી છે. જો કે, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ એકમાત્ર વિકલ્પ હતો જે અભિજીતને સામાન્ય જીવન આપી શકે. જો બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ ના થયું હોત તો તે ૩૦ વર્ષથી વધુ જીવી ના શકત.
અભિજીતની એક મોટી બહેન છે પરંતુ તેનું બોન મેરો મેચના થયું. છેવટે દીકરાને બચાવવા તેના માતા-પિતા અપર્ણા અને સહદેવ સોલંકીએ અભિજીત માટે સેવિયર સિબલિંગ તૈયાર કરવાનો ર્નિણય કર્યો. ઉલ્લેખનીય છે કે, અપર્ણા અને સહદેવ બંનેમાં માઈનોર થેલેસેમિયા છે. સામાન્ય રીતે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ માટે કોર્ડ બ્લડમાં રહેલા સ્ટેમ સેલ્સનો ઉપયોગ થાય છે પરંતુ આ કિસ્સામાં તે અપૂરતા હતા.
ટ્રાન્સપ્લાન્ટ કરનારા ડૉ. દિપ્તી ત્રિવેદીએ કહ્યું, નોન-કેન્સર ટ્રાન્સપ્લાન્ટમાં અમે બોન મેરોમાંથી સ્ટેમ સેલ્સ લઈએ છીએ કારણકે તેને શરીર સારી રીતે સ્વીકારે છે. કાવ્યાનું વજન પૂરતું થાય ત્યાં સુધી અમે રાહ જોઈ અને આ વર્ષે માર્ચ મહિનામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું.” ડૉ. ત્રિવેદી સીમ્સ હોસ્પિટલના સંકલ્પ-સીઆઈએમએસ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ યુનિટના પ્રોગ્રામ ડાયરેક્ટર છે.