મેગા ફ્લેક્સ પ્લાસ્ટિક્સનો 11.40 કરોડનો પબ્લિક ઈશ્યૂ 06 સપ્ટેમ્બરે સબસ્ક્રીપ્શન માટે ખૂલશે
![Mega flex Plastics IPO](https://westerntimesnews.in/wp-content/uploads/2020/02/IPO.jpg)
મુંબઈ, કૃષિ ઉત્પાદનો અને વણેલા કાપડના પેકેજિંગ માટે ઉપયોગમાં લેવાતી લેનો બેગના અગ્રણી ઉત્પાદકોમાંની એક એવી પેકેજિંગ સોલ્યુશન કંપની મેગા ફ્લેક્સ પ્લાસ્ટિક્સ લિમિટેડ 06 સપ્ટેમ્બર, 2022ના રોજ સબસ્ક્રીપ્શન માટે તેનો રૂ. 11.40 કરોડનો પબ્લિક ઈશ્યૂ ખૂલ્લો મૂકવા જઈ રહી છે.
કંપનીને નેશનલ સ્ટોક એક્સચેન્જના એસએમઈ ઈમર્જ પ્લેટફોર્મ પર તેનો પબ્લિક ઈશ્યૂ લોન્ચ કરવાની મંજૂરી મળી ગઈ છે. ઈશ્યૂ દ્વારા પ્રાપ્ત થનાર ફંડનો ઉપયોગ વિસ્તરણ યોજનાઓ, કંપનીની વ્યવસાયિક પ્રવૃત્તિઓ તથા અન્ય કોર્પોરેટ હેતુઓ માટે જરૂરી કાર્યશીલ મૂડીને પહોંચી વળવા માટે થશે. ફિનશોર મેનેજમેન્ટ સર્વિસીઝ લિમિટેડ આ ઈશ્યૂના લીડ મેનેજર છે. પબ્લિક ઈશ્યૂ 09 સપ્ટેમ્બરે બંધ થશે.
આ આઈપીઓમાં રૂ. 11.40 કરોડના મૂલ્યના શેરદીઠ રૂ. 40ના ભાવે (ઈક્વિટી શેરદીઠ રૂ. 30ના પ્રિમિયમ સહિત) રૂ. 10ની ફેસ વેલ્યુના નવા 28.5 લાખ ઈક્વિટી શેર્સ ઈશ્યૂ કરવાનો સમાવેશ થાય છે. અરજી માટે મિનિમમ લોટ સાઈઝ 3,000 શેર્સની છે જેનું મૂલ્ય અરજી દીઠ રૂ. 1.2 લાખ જેટલું છે.
આઈપીઓ માટે રિટેલ ફાળવણી 50 ટકા એટલે કે રૂ. 5.70 કરોડના મૂલ્યના 13.53 લાખ શેર્સ જેટલી રહેશે. કંપનીની લીડરશીપ ટીમમાં શ્રી મોહન લાલ પારેખ, શ્રી હુકુમચંદ બોથરા અને શ્રી રાકેશ સેઠિયાનો સમાવેશ થાય છે જેઓ પેકેજિંગ સોલ્યુશન્સના ક્ષેત્રે દાયકાઓનો અનુભવ ધરાવે છે.
વિકાસ અંગે ટિપ્પણી કરતા, મેગા ફ્લેક્સ પ્લાસ્ટિક લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી હુકુમચંદ બોથરાએ જણાવ્યું હતું કે, “અમે વિસ્તરણ, વૈવિધ્યકરણ અને નવા વિસ્તારોમાં અમારી પહોંચને વિસ્તારીને વેચાણ વધારવા પર ધ્યાન આપી રહ્યા છીએ. છેલ્લા કેટલાક વર્ષોમાં અમે અમારી કામગીરી પશ્ચિમ બંગાળથી આગળ વધારી છે
અને અમે પશ્ચિમ બંગાળ ઉપરાંત અન્ય રાજ્યોની જરૂરિયાતો ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને પંજાબની જરૂરિયાતોને પૂરી કરવા પર ભાર મૂકી રહ્યા છીએ. કંપની ફેબ્રિકને બેગમાં પ્રોસેસ કરીને તેની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે ઘણી તકો પણ શોધી રહી છે.
આ સાથે ઉત્પાદન ક્ષમતામાં વધારો થવાથી અમે અમારા ક્લાયન્ટ બેઝને ભૌગોલિક રીતે પણ વધારી શકીશું. અમને આશા છે કે સૂચિત પબ્લિક ઈશ્યૂ પછી અમે અમારી વૃદ્ધિ વ્યૂહરચનાનો અમલ એવી રીતે કરી શકીશું કે જે તમામ હિતધારકો માટે મહત્તમ મૂલ્યનું નિર્માણ થાય અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો સતત ડિલિવરી કરી શકીએ.”
નાણાંકીય વર્ષ 2021-22 માટે કંપનીએ રૂ. 47.39 કરોડની કુલ આવકો, રૂ. 4.21 કરોડની એબિટા તથા રૂ. 2.66 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. ઈશ્યૂ બાદ કંપનીની કુલ સંપત્તિ, રિઝર્વ અને સરપ્લસ અનુક્રમે રૂ. 42.45 કરોડ તથા રૂ. 31.05 કરોડ થશે. 31 માર્ચ, 2022ના રોજ શેરદીઠ બુક વેલ્યુ રૂ. 176.99 છે. માર્ચ, 2022ના રોજ આરઓએનડબ્લ્યુ 8.56 ટકા છે. ઈશ્યૂ બાદ કંપનીની શેર કેપિટલ વધીને રૂ. 10.74 કરોડ થશે. કંપનીમાં હાલ પ્રમોટર ગ્રુપ હોલ્ડિંગ 99.79 ટકા છે જે ઈશ્યૂ બાદ 73.32 ટકા થશે. કંપનીના શેર્સ એનએસઈ ઈમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે.