સાપુતારા ખાતે તા.૩૦ જુલાઈ, ૨૦૨૨ના રોજ “મેઘમલ્હાર પર્વ”નું ઉદઘાટન કરાશે
પ્રવાસન ક્ષેત્રે બહુઆયામી વિકાસ કરી ગુજરાતને પ્રવાસીઓની પ્રથમ પસંદ બનાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. રાજ્યમાં આગામી તા.૩૦ જુલાઈ, ૨૦૨૨ના રોજ સવારે ૯-૦૦ કલાકે સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલ અંતર્ગત ‘મેઘ મલ્હાર પર્વ’નું ઉદઘાટન કરાશે તેમજ વિવિધ પ્રવાસી સુવિધાઓનો લોકાર્પણ સમારોહ યોજાશે.
પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આ પ્રસંગે મ્યૂઝિકલ ફાઉન્ટેન, એમ્પિથિયેટર, એડવેન્ચર પાર્ક, બોટિંગ જેટી એરિયા ડેવલપમેન્ટ અને ફ્લોટિંગ જેટ્ટી, હયાત લેકની ફરતે કેનોપિઝ, મોલ રોડના વિકાસની કામગીરી, પાર્કિંગ વ્યવસ્થા સહિતની પ્રવાસી સુવિધાઓ સહેલાણીઓ માટે ખુલ્લી મૂકવામાં આવશે.
પ્રવક્તા મંત્રીશ્રીએ મોન્સૂન ફેસ્ટિવલ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું કે, સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલમાં દર શનિ-રવિ અને જાહેર રજાઓના દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમો અને મનોરંજનની વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે. જન્માષ્ટમીના દિવસે દહીં-હાંડી સ્પર્ધા, રેઈન રન મેરેથોન, બોટ રેસિંગ તથા નેચર ટ્રેઝર હન્ટ જેવી રોચક સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આર્ટ ગેલેરી, વર્કશોપ, ફોટોગ્રાફી, આર્ટ પેઈન્ટિંગ, બામ્બુ ક્રાફ્ટિંગ, વારલી પેઈન્ટિંગ જેવી કલાત્મક પ્રવૃત્તિઓ, યોગા ક્લાસીસ, ક્વિઝ કોન્ટેસ્ટ, સેમિનાર, મ્યુઝિકલ લર્નિંગ કોમ્પિટિશન, રંગોળી સ્પર્ધા, ફોટોગ્રાફી કોમ્પિટિશન જેવા અન્ય આકર્ષણો પણ પ્રવાસીઓ આ ફેસ્ટિવલમાં માણી શકાશે.