ગુજરાતમાં મેઘરાજાની જોરદાર બેટિંગ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/04/2604-godhra.Rain-1-1024x576.jpg)
પ્રતિકાત્મક
ખેડૂતોએ પણ ખેતરમાં હળ જોડીને વાવણી શરૂ કરી દીધી
(એજન્સી)અમદાવાદ, જે કાળઝાળ ગરમીનો સામનો ગુજરાતીઓએ કર્યો તેઓ હવે વરસાદને વધાવવા તૈયાર થઈ જાય, કારણ કે રાજ્યમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે. ત્રણથી ચાર દિવસ વહાલા ચોમાસાએ ગુજરાતમાં પ્રવેશ કર્યો છે, ચોમાસાનો પ્રારંભ થતાં જ અન્નદાતાએ હળ જોડી દીધા છે અને વાવણીની શરૂઆત કરી છે.
આ વખતે ગુજરાતમાં પડેલી કાળઝાળ ગરમીને ગુજરાતીઓ ભૂલી શકે તેમ નથી, ૪૭ ડિગ્રીમાં અમદાવાદીઓએ શેકાવું પડ્યું હતું. ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું હતું પરંતુ ચોમાસાનો આરંભ થઈ ગયો છે, દક્ષિણમાં ચોમાસાએ દેખા પણ દઈ દીધી છે અને ચોમાસું ધીરે ધીરે ગુજરાતના અન્ય જિલ્લાઓ તરફ આગળ વધી રહ્યું છે. આ વખતે વરસાદ ધમાકેદાર રહેવાની આગાહી છે, તેનો અણસાર પણ મળી ગયો છે, કારણ કે ચોમાસું આ વખતે ૪થી ૫ દિવસ વહેલા શરૂ થયું છે.
વરસાદ આમ તો ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસી રહ્યો છે, પરંતુ આ વરસાદ પ્રિ-મોન્સુન એક્ટિવીટીના ભાગરૂપે હતો. જો કે હવે જે વરસાદ શરૂ થયો છે તે ચોમાસાનો વરસાદ છે, ગુજરાતના આકાશમાંથી કાચું સોનું વરસવાની શરૂઆત થઈ ગઈ છે, ખેડૂતોએ પણ ખેતરમાં હળ જોડીને વાવણી શરૂ કરી દીધી છે. ગુજરાત જ નહીં આંદામાન નિકોબાર અને કેરળમાં પણ ચોમાસાનો આરંભ વહેલો થયો છે અને તેનો જ ફાયદો ગુજરાતને થયો છે.
મેઘરાજાએ છેલ્લા ૨૪ કલાકમાં જોરદાર બેટિંગ કરી છે, સંતરામપુરમાં તો સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. દોઢ ઈંચ વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા હતા તો મહીસાગરના કડાણામાં પણ પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો.
છેલ્લા ૨૪ કલાકમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો તેની વાત કરીએ તો સંતરામપુરમાં ૪૦ મિલિમીટર, મોરવાહડફમાં ૨૭ મિલિમીટર, કલોલમાં ૨૨, સંજેલીમાં ૧૫, કડીમાં ૧૨, ગાંધીનગરમાં ૧૧, કપરાડામાં ૧૦, જેતપુરમાં ૮ મિલિમીટર વરસાદ વરસ્યો હતો. તો રાજુલા, ખેરગામ, ભચાઉ, અમદાવાદ, છોટાઉદેપુર અને ધાનપુરમાં ૫-૫ મિલિમીટર વરસાદ પડ્યો હતો.
તો હજુ પણ હવામાન વિભાગે સારા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે ગુજરાતમાં સારા વરસાદની સાથે ઠંડરસ્ટોર્મની પણ આગાહી કરી છે. આગામી સાત દિવસ રાજ્યના જુદા જુદા વિસ્તારમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. શરૂઆતમાં ગુજરાતમાં મધ્યમ વરસાદ રહી શકે છે, પરંતુ પાછળથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે તે નક્કી છે.