‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ને અનુરૂપ ચિત્ર તથા મહેંદી સ્પર્ધાનું આયોજન
જીતેલી વિદ્યાર્થીનીઓને ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજનાની થીમ આધારિત આપવામાં આવી ટ્રોફી-24 મી જાન્યુઆરીએ ઉજવાતા ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ નિમિત્તે થયું લોકજાગૃતિ કાર્યક્રમનું આયોજન
24 મી જાન્યુઆરીએ થતી રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીના ભાગરૂપે, તારીખ 18 થી 24 જાન્યુઆરીના એક સપ્તાહ સુધી અલગ અલગ કાર્યક્રમોનું કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદના નારોલ વિસ્તારની ઉન્નતિ સ્કૂલ ખાતે બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત શપથવિધિ નું આયોજન કરવામાં આવ્યું.
આ સિવાય શાળાની વિદ્યાર્થીનીઓ વચ્ચે ચિત્ર અને મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે વિવિધ યોજનાની માહિતી પણ કાર્યક્રમમાં હાજર લોકોને આપવામાં આવી.
‘બેટી બચાવો બેટી પઢાઓ’ થીમ આધારિત થયેલી મહેંદી તથા ચિત્ર સ્પર્ધામાં જીતેલી વિદ્યાર્થીનીઓને થીમ આધારિત ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું.
આ પ્રસંગે ઉપસ્થિત શાળાની વિદ્યાર્થીનીઓની હાજરીમાં સ્થળ પર હાજર સૌ કોઇએ રાષ્ટ્રિય બાલિકા દિવસને અનુરૂપ શપથ લીધી કે,
“હું મારા પરિવાર અને સમાજમાં દીકરીના જન્મને આવકારીશ. હું હંમેશા સ્ત્રી શક્તિનું આદર સન્માન કરીશ અને તેઓ આત્મનિર્ભર બને તે માટે પૂરતા પ્રયત્નો કરીશ. તેમજ દીકરીના શિક્ષણ અને સલામતીને સુનિશ્ચિત કરવાની આથી પ્રતિજ્ઞા લઉં છું.”
ઉલ્લેખનીય છે કે, ભારત સરકારની વર્ષ 2015 થી ચાલતી બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત સમાજમાંથી લીંગભેદ દૂર થાય અને સમાજમાં દીકરીઓનું રક્ષણ થાય તથા, દીકરીઓના શૈક્ષણિક સ્તરમાં વધારો થાય તે માટેના જુદા જુદા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવે છે ત્યારે, દીકરી જન્મને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર 24 મી જાન્યુઆરી ના દિવસે “રાષ્ટ્રીય બાલિકા દિવસ” ની ઉજવણી કરે છે.
આ કાર્યક્રમમાં મહિલા શક્તિ કેન્દ્ર યોજનાના કોઓર્ડીનેટર જીતેશભાઇ સોલંકી, લાયન્સ ક્લબ મણિનગર અમદાવાદના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ રાઠોડ, 181 મહિલા અભયમના સોનલબેન, એકવીટાસ ટ્રસ્ટના મિલનભાઈ વાઘેલા, ઉન્નતિ શાળાના આચાર્ય રોનકભાઈ જયસ્વાલ, શાળાની વિદ્યાર્થીનીઓ તથા અન્ય આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા.