મહેસાણાના ફુદેડા- ડભોડામાંથી ચાઇનીઝ દોરીના ૫૮ રીલ ઝડપાયા
મહેસાણા, મહેસાણા જિલ્લામાં લાડોલ અને ખેરાલુ પોલીસે ચાઈનીઝ દોરીનો વેપાર કરતા વેપારીઓ પર તવાઈ બોલાવી છે. પોલીસે ફુદેડા અને ડભોડા ગામેથી પ્રતિબંધિત દોરીના ૫૮ રીલ કબ્જે કરી બે ઈસમો સામે ગુનો દાખલ કર્યો હતો.મહેસાણા જિલ્લામાં ચાઇનીઝ દોરી વેચતા ઈસમોને ઝડપવા અલગ અલગ વિસ્તારમાં પોલીસ વોચ ગોઠવી છે.
ત્યારે મહેસાણા જિલ્લામાં આવેલા વિજાપુરના લાડોલ પોલીસે ફુદેદા ગામે રહેતો ચૌહાણ શંકર કાળુંજી પોતાના ઘરે ચાઇનીઝ દોરી રાખી વેપાર કરતો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે રેડ કરી પોલીસે ૨૩૦૦ રૂપિયાની ૨૩ રીલ ઝડપી લીધી હતી.
ખેરાલુ પોલીસ મથકમાં સ્ટાફને બાતમી મળી હતી કે ડભોડા ગામે ઉગમના વાસમાં રહેતો ઠાકોર આકાશ ધનાજી પોતાના ઘરે ચાઇનીઝ દોરી રાખી વેપાર કરે છે.
બાતમીના આધારે ખેરાલુ પોલીસે પણ રેડ કરી ચાઈનીઝ દોરીના ૩૫ રીલ કિંમત ૭૦૦૦ની દોરી ઝડપી ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.
ગુજરાતમાં ચાઈનીઝ દોરી ઉપર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બીજી તરફ લોકો માટે જીવલેણ સાબિત થતી ચાઈનીઝ દોરીના જથ્થાને ઝડપી લેવા માટે પોલીસે અભ્યાન હાથ ધર્યું છે. જે અંતર્ગત અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરો અને નગરોમાં દરોડા પાડીને તપાસ કરવામાં આવી રહી છે.