મહેસાણાની પાંચ સહકારી મંડળીઓને ગોડાઉન બનાવવા ૧૯૦૦ ચો.મી.થી વધુ જમીનની ફાળવણી કરી
વિધાનસભા ગૃહમાં મહેસાણા જિલ્લામાં સહકારી મંડળીઓ માટે જમીન ફાળવવા બાબતે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, સહકારી મંડળીઓને ગોડાઉન બનાવવા માટે સરકાર દ્વારા મહેસાણા તાલુકાની દેલોલી સેવા સહકારી મંડળીને ૧૮૫.૮૦ ચો.મી. જમીન,
કડી તાલુકાની ફુલેત્રા સેવા સહકારી મંડળીને ૭૫૨.૭૯ ચો.મી. જમીન, વિસનગર તાલુકાની સદુથલા સેવા સહકારી મંડળીને ૫૧.૧૧ ચો.મી. જમીન તથા ધામણવા સેવા સહકારી મંડળીને ૬૨૫ ચો.મી. જમીન, ખેરાલુ તાલુકાની પાન્છા સેવા સહકારી મંડળીને ૨૯૭.૨૯ ચો.મી. જમીનને મળી જિલ્લાની કુલ ૦૫ સહકારી મંડળીઓને ૧૯૧૧.૬૯ ચો.મી. ગામતળની જમીન ફાળવવામાં આવી છે.
મંત્રીશ્રીએ જમીન ફાળવવાના માપદંડ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, મહેસુલ વિભાગના ઠરાવની જોગવાઈ મુજબ છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત હોય તેમજ ‘અ’, ‘બ’ અને ‘ક’ ઓડીટ વર્ગ ધરાવતી હોઈ તેવી સહકારી મંડળીઓને ગોડાઉન કે ઓફિસ બનાવવા માટે મહત્તમ ૨,૫૦૦ ચો.મી જમીન ૧૦ ટકા જંત્રીની કિંમત વસૂલ કરીને ફાળવવાનો માપદંડ અમલમાં છે.
જિલ્લા વિકાસ અધિકારીઓને સરકારી કે ગામતળની જમીન ફાળવવાની સત્તા મર્યાદા અંગે વાત કરતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, મહેસૂલ વિભાગની જોગવાઈ અનુસાર જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ સહકારી મંડળીઓને ગોડાઉન બનાવવા માટે ૫૦૦ ચો.મી. ક્ષેત્રફળ અને રૂ.૪૦,૦૦૦ની બજાર કિંમત સુધીની મર્યાદામાં જમીન ફાળવી શકે છે.
આ ઉપરાંત સહકારી મંડળીઓને ગોડાઉન સિવાય અન્ય હેતુ માટે ૨૦૦ ચો.મી. ક્ષેત્રફળ અને રૂ.૨૦,૦૦૦ની બજાર કિંમત સુધીની સત્તા મર્યાદા જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓને આપવામાં આવી છે.
વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, છેલ્લા બે વર્ષ દરમિયાન જમીન ફાળવવા માટે મળેલી અરજીઓ પૈકી વર્ષ ૨૦૨૧માં કુલ ચાર અને વર્ષ ૨૦૨૨માં એક અરજી મંજૂર કરવામાં આવી છે.