મહેસાણા-સિધ્ધપુર માર્ગ સીક્સ લેન બનાવવા તૈયારી
ધોરીડુંગરી-લુણાવાડા માર્ગને ૮૬ કરોડના ખર્ચથી પહોળો કરવાનું અને મહી નદી ઉપર પુલ બનાવવાનું ટેન્ડર મંજૂર
અમદાવાદ, રાજ્યમાં માર્ગોના નેટવર્કની સુવિધાનો વ્યાપ વધારીને નાગરિકોને મળતી વાહનવ્યવહારની સુવિધાઓમાં વધારો કરવા અને ગુજરાતમાં ટ્રાફીકનું ભારણ ઘટે, નાગરિકોની સલામતીમાં વધારો થાય તે માટે ઉત્તર-મધ્ય ગુજરાતના મુખ્ય ચાર માર્ગોના રૂ.૬૫૬ કરોડના કામો રાજ્ય સરકારે મંજૂર કરીને તેની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરી દીધી છે. ઉપરાંત મહેસાણા-સિધ્ધપુર અને સિધ્ધપુર-પાલનપુર માર્ગ સીક્સ લેન બનાવવા માટે રૂ.૪૪૫ કરોડ મંજૂર કરવામાં આવ્યાં છે. આ કામો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે, જે આગામી બે વર્ષમાં પૂર્ણ કરાશે એમ રાજયના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું.
આ અંગે નાયબ મુખ્યમંત્રી વધુમાં જણાવ્યું હતું કે, વિશ્વબેંક લોન સહાયથી આ પ્રોજેક્ટ ગુજરાત રાજ્ય માર્ગ યોજના-૨ હેઠળ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. જેની અંદાજીત કિંમત રૂ.૧૯૩૮ કરોડ કિંમત પૈકી રૂ.૧૦૫૦ કરોડની વિશ્વ બેંકની લોન મળશે, આ કામોમાં રૂ.૨૨૨ કરોડનો રાજ્ય સરકારનો હિસ્સો રહેશે. ઉત્તર ગુજરાતના મહેસાણાથી સિધ્ધપુર રસ્તાને સીક્સ લેનકરણ કરવાનું કામ રૂ. ૨૩૦ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે.
જેમાં શરૂઆત મહેસાણા બાયપાસ (ફતેપુરા)થી શરૂ થઇ ઉંઝા-સિધ્ધપુર સુધીના ૨૫ કિ.મી.ની લંબાઇનો સમાવેશ કરાયો છે. આ કામગીરીમાં હયાત ફોર લેન રસ્તાને સીક્સ લેન જેમાં ડાબી બાજુ સર્વિસ રોડ માટે એક વધારાની લેન તથા બન્ને તરફ સોલ્ડરનો સમાવેશ કરાશે. આ ઉપરાંત હયાત ફોર લેન પૂલોને એઇટ(૮) લેન કરવામાં આવશે. સાથે-સાથે ઉંઝા શહેરમાં ૧૨૦૦ મીટર જેટલી લંબાઇનો સીક્સ લેન ફલાયઓવર બનાવાશે. સિધ્ધપુર ગામની ૪ કિ.મી. જેટલી લંબાઇમાં સીક્સ લેન રસ્તા ઉપરાંત બન્ને તરફ ૭ મીટર પહોળાઇમાં સર્વિસ રોડ બનાવવામાં આવનાર છે.
આ ઉપરાંત સિધ્ધપુરથી પાલનપુર રસ્તાને પણ ૨૧૫ કરોડના ખર્ચે સીક્સ લેન કરવામાં આવશે, જેમાં સિધ્ધપુરથી પાલનપુર સુધીની ૩૬ કિ.મી.ની લંબાઇનો સમાવેશ કરાયો છે. આ કામગીરીમાં હયાત ફોર લેન રસ્તાને સીક્સ લક્, જેમાં ડાબી બાજુ સર્વિસ રોડ માટે એક વધારાની લેન તથા બન્ને તરફ સોલ્ડરનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત હયાત ફોર લેન પૂલોને ૮ લેન કરવામાં આવશે, જેના પરિણામે સિધ્ધપુર-પાલનપુર રસ્તા ઉપરના ટ્રાફિકની સમસ્યા હલ થશે.
ઇંધણ અને સમયની બચત થશે અને આ વિસ્તારનો વિકાસ થશે. આ ઉપરાંત રૂ. ૧૨૪ કરોડના ખર્ચે રાધનપુરથી ચાણસ્મા રસ્તાનું નવીનીકરણ પણ કરાશે. જેમાં રાધનપુરથી ચાણસ્મા સુધીની ૬૦ કિ.મી.ની લંબાઇનો સમાવેશ કરાયો છે. આ કામગીરીમાં હયાત બે લેન રસ્તાના નવીનીકરણની કામગીરી પણ કરાશે. મધ્ય ગુજરાતના હાર્દ સમા રૂ. ૮૬ કરોડના ખર્ચે ધોરીડુંગરીથી લુણાવાડા રસ્તાના સુધારો, મજબૂતીકરણ, નવીનીકરણ કરવાનું કામ હાથ ધરાશે. જેમાં ધોરીડુંગરીથી ગરસિયાવાડા અને ગરસિયાવાડાથી લુણાવાડા સુધીની ૨૬ કિ.મી.ની લંબાઇનો સમાવેશ કરાયો છે.
આ કામગીરીમાં સુધારો, મજબૂતીકરણ, નવીનીકરણની કામગીરી તથા હાડોડ પાસેના ડૂબાઉ પુલની જગ્યાએ મોટા બ્રિજના બાંધકામો પણ કરાશે. જેના પરિણામે રાજ્યના મહીસાગર અરવલ્લી જિલ્લાઓના વાહનવ્યવહારની સગવડમાં વધારો થશે. ઉપરાંત હાડોડ પાસેના ડૂબાઉ પુલ કે જે ચોમાસામાં ભારે વરસાદને કારણે ઘણીવાર બંધ થઈ જતો હતો તે જગ્યાએ મેજર બ્રીજ થવાથી મહીસાગર જિલ્લાને ગાંધીનગર સાથે બારમાસી કનેકટીવીટી મળશે.