Western Times News

Gujarati News

મહેસાણા અર્બન કો.ઓપ. બેન્કને RBIએ રૂ.પ.૯૩ કરોડનો દંડ કર્યો

સગાઓને લોન આપવાના અને અંગત હિત હોય તેવા ટ્રસ્ટોને લોન આપવાના ગુનાઓ કરવા બદલ દંડ કરવામાં આવ્યો

અમદાવાદ, મહેસાણા અર્બન કોઓપરેટીવ બેન્કને ઓળખીતા પાળખીતાના ટ્રસ્ટને તથા ડિરેકટર્સ પોતે તે ટ્રસ્ટમાં હોવા છતાં તે જ ટ્રસ્ટને ડોનેશન આપવાની ગેરરીતિ બદલ રૂ.પ,૯૩,૩૦,૦૦૦નો રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ દંડ કર્યો છે. મહેસાણા અર્બન કોઓપરેટીવ બેન્કે જેમને ડોનેશન આપ્યા છે તે ટ્રસ્ટમાં બેન્કના ડિરેકટર્સના સગાંઓ જ હોદ્દેદાર હોવાનું જોવા મળ્યું છે.

તદુપરાંત ડિરેકટર્સ અને તેના સગાંઓને લોન ન આપવાને લગતા નિયમોનો પણ મહેસાણા અર્બન કોઓપરેટીવ બેન્કે ભંગ કર્યો છે. ડિરેકટર્સના હિત હોય તેવી પેઢીઓને લોન ન આપવાનો પણ નિયમ તોડવામાં આવ્યો છે. ડિરેકટર્સનું હિત તેમાં સંકળાયેલુ હોવાથી નિયમ ભંગ થયેલો ગણાય છે. બેન્કિંગ રેગ્યુલેશન એકટની કલમ ૪૭(એ) (૧) (સી)ની જોગવાઈ હેઠળ મહેસાણા અર્બન કોઓપરેટીવ બેન્કને દંડ કરવામાં આવ્યો છે.

રિઝર્વ બેન્કે મહેસાણા અર્બન કોઓપરેટીવ બેન્કનું સ્ટેચ્યુટરી ઈન્સ્પેકશન કર્યું હતું. આ ઈન્સ્પેકશન દરમિયાન બેન્ક દ્વારા આચરવામાં આવેલી અનિયમિતતાનો અંદાજ તેમને મળ્યો હતો. બેન્કે કયા અને કેટલો નિયમોનો ભંગ કર્યો છે તેનો ખ્યાલ આવ્યો હતો. ત્યારબાદ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ બેન્કને એક નોટિસ પાઠવી હતી. આ કારણદર્શક નોટિસમાં તેમને દંડ શા માટે ન કરવો તે અંગે પૂછપરછ કરવામાં આવી હતી.

આ નોટિસના સંદર્ભમાં બેન્કના મેનેજમેન્ટે આપેલો જવાબ અને મૌખિક રજૂઆતને ધ્યાનમાં લીધા બાદ તેમણે કરેલી સ્પષ્ટતા સંતોષજનક ન લાગતા રિઝર્વ બેન્કને તેમને દંડ કર્યો છે. ડિરેકટર કે તેના સગાંઓની કંપનીઓને નિયમને ચાતરીને ધિરાણ આપવામાં આવ્યા હતા.

જે કંપનીને ધિરાણ આપ્યા હતા તેમાં ડિરેકટર્સના કે પછી તેના સગાંઓના હિત સંકળાયેલા હતા.આ ગેરરીતિ બદલ અગાઉ બેન્કને દંડ કરવામાં આવ્યો હતો. તેમ છતાંય ગેરરીતિ ચાલુ રાખવાનું વલણ બેન્કના મેનેજમેન્ટમાં જોવા મળ્યું હતું.

બેન્કે સાયબર સિકયોરીટી માટે કેટલાક પગલાંઓ લીધા જ નહોતા. કેટલાક ધિરાણ લેનારાઓને આપેલા ધિરાણ ફસાઈ ગયા હોવા છતાંય તેને એનપીએ-ફસાયેલી મૂડી તરીકે દર્શાવવામાં આવી જ નહોતી. સંખ્યાબંધ વ્યકિતગત ખાતેદારોને એક કરતાં વધુ યુનિક કસ્ટમર આઈડેન્ટિફિકેશન કોડ આપવામાં આવ્યા હતા. આ બધાં થકી મહેસાણા અર્બન કોઓપરેટીવ બેન્કે પ્રસ્થાપિત નિયમોનો ભંગ કર્યો હતો. તેને માટે બેન્કને દંડ કરવામાં આવય્‌ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.