મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેન્કને 15 લાખનો દંડ ફટકર્યો RBIએ
પાત્રતા ન ધરાવતા ટ્રસ્ટનું એકાઉન્ટ પણ બેન્કે ખોલી આપ્યા હોવાનું રિઝર્વ બેન્કની તપાસમાં બહાર આવ્યું
અમદાવાદ, થાપણો પરના વ્યાજદર અંગે રિઝર્વ બેન્કે આપેલા આદેશનું પાલન નકરવા બદલ મહેસાણા અર્બન કો ઓપરેટીવ બેન્કને રૂ.૧પ લાખનો દંડ કરવામાં આવ્યો છે. બેન્કિંગ રેગ્યુલેશન એકટની કલમ ૪૭-એ(૧) (સી) અને તેની સાથે જ વંચાણે લેવાતી કલમ ૪૬(૪) (આઈ) અને પ૬ હેઠળ આ દંડ કરવામાં આવ્યો છે.
મહેસાણા અર્બન કોઓપરેટિવ બેન્કને રિસ્ક એસેસમેન્ટ રિપોર્ટ તૈયાર કરવા માટે ઈન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. આ ઈન્સ્પેકશન દરમિયાન જાણવા મળ્યું હતું કે થાપણદારોએ થાપણ જમા કરાવી અને તે થાપણ મેચ્યોર થયા પછી નાણાંની ચુકવણી કરવામાં વિલંબ થાય તે ગાળા માટેનું વ્યાજ ચુકવવામાં આવતું નહોતું. આ રીતે થાપણદારોને ઓછી રકમની ચૂકવણી કરવામાં આવતી હતી.
બીજું મહેસાણા અર્બન કોઓપરેટીવ બેન્કે પાત્રતા ન ધરાવતા ટ્રસ્ટને બેન્કમાં ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે બચત ખાતાં ખોલી આપ્યા હોવાનું પણ રિઝર્વ બેન્કના ધ્યાનમાં આવ્યું હતું તેને માટે પણ બેન્કને પેનલ્ટી કરવામાં આવી છે.
આ ટ્રસ્ટોની સંપૂર્ણ આવક આવકવેરા ધારા હેઠળ માફી પાત્ર નહોતી છતાં તેમને ખાતાં ખોલી આપ્યા હતા. આ સંદર્ભમાં બેન્કને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. તેમણે રિઝર્વ બેન્કના આદેશનો અનાદર કર્યો હોવાથી તેમને દંડ શા માટે ન કરવો તે અંગે ખુલાસા માંગવામાં આવ્યો હતો. આ સંદર્ભમાં મહેસાણા અર્બન કોઓપરેટીવ બેન્ક દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો, પરંતુ તે ગળે ઉતરે તેવો નહોતો.
આ મુદ્દે પર્સનલ હિયરિંગ રાખીને પણ બેન્કનો પક્ષ જાણવામાં આવ્યો હતો, બેન્ક દ્વારા કરવામાં આવેલો ખુલાસો અને રજૂઆત વ્યવસ્થિત જ જણાતા તેને દંડ કરવામાં આવ્યો હતો.