મહેસાણાના વિસનગર અને સાબરકાંઠાના પ્રાંતિજમાં ૬ ઈંચથી વધુ વરસાદ
રાજ્યમાં ૨૪ કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર; મહેસાણા તાલુકામાં સૌથી વધુ ૭ ઈંચથી વધુ વરસાદ નોંધાયો
ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૫૯ ટકાથી વધુ; સૌથી વધુ કચ્છ ઝોનમાં ૭૬ ટકાથી વધુ વરસાદ નોંધાયો
રાજ્યના ઉત્તર ગુજરાતમાં ગઈકાલે મેઘ મહેર જોવા મળી હતી. છેલ્લા ૨૪ કલાક દરમિયાન મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના વિવિધ તાલુકાઓમાં નોંધનીય વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. જે મુજબ મહેસાણા તાલુકામાં સૌથી વધુ ૭ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. સાથે જ મહેસાણાના વિસનગર અને સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં ૬ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત મહેસાણાના વિજાપુર અને જોટાણા, ભરૂચના હાંસોટ, મહીસાગરના લુણાવાડા અને બનાસકાંઠાના વડગામ તાલુકામાં ૫-૫ ઈંચ વરસાદ વરસ્યો છે.
આ ઉપરાંત સાબરકાંઠાના તલોદ અને હિંમતનગર, ગાંધીનગરના માણસા, અરવલ્લીના મોડાસા અને મેઘરજ, વલસાડના કપરાડા તેમજ વડોદરા તાલુકામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૪ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. વધુમાં, રાજ્યના કુલ ૬ તાલુકામાં ૩ ઈંચ અને ૨૫ તાલુકામાં ૨ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તદુપરાંત રાજ્યના આશરે ૭૮ જેટલા તાલુકામાં એક ઈંચથી વધુ, જ્યારે સમગ્ર રાજ્યના કુલ ૨૧૩ તાલુકામાં ગત ૨૪ કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૩૦મી જુલાઇ, ૨૦૨૪ના રોજ સવારે ૬ કલાકની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૫૯ ટકાથી વધુ નોંધાયો છે. જ્યારે, કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૭૬ ટકાથી વધુ અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં ૭૪ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ૬૯ ટકાથી વધુ, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૪૧ ટકાથી વધુ તેમજ ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો ૩૮ ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.