Western Times News

Gujarati News

મેહુલ ચોક્સીની રૂપિયા ૨૫૬૬ કરોડની સંપત્તિ લીલામ કરવા મંજૂરી

મુંબઈ, સમગ્ર દેશમાં ચકચાર મચાવી દેનારા મેહુલ ચોક્સી કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા જપ્ત કરવામાં આવેલી રૂ. ૨૫૬૫.૯૦ કરોડના મૂલ્યની સંપતિની લિલામી કરીને તેમાંથી નાણાં ઉભા કરવા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ કોર્ટે આજે લીલી ઝંડી આપી દીધી હતી.

મેહુલ ચોક્સીની સંપતિનું વેચાણ થશે તે સાથે જ મેહુલ ચોક્સીના કૌભાંડમાં જે લોકો ભોગ બન્યા હતા તેઓને પોતાના ગુમાવેલા પાછા નાણાં પરત મળી શકે છે.

કૌભાંડી સોની મેહુલ ચોક્સીએ જે લોકોની સાથે છેતરપિંડી કરી હતી તેઓને વળતર આપવા શરૂ કરાયેલી આ પ્રક્રિયામાં અગાઉ પણ સકારાત્મક પરિણામ જોવા મળ્યા હતા, કેમ કે અગાઉ સરકારે મેહુલ ચોક્સીની જપ્ત કરાયેલી રૂ. ૧૨૫ કરોડની સંપતિનું વેચાણ કરીને જે લોકોએ નાણાં ગુમાવ્યા હતા તેઓને પરત કર્યા હતા.

૧૦ ડિસેમ્બરના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સોશિયલ મીડિયા એક્સ ઉપર આવેલાં તેના સત્તાવાર એકાઉન્ટ ઉપર એક પોસ્ટ મૂકીને કહ્યું હતું કે મુંબઇ સ્થિત સ્પેશિયલ કોર્ટે મેહુલ ચોક્સી દ્વારા પંજાબ નેશનલ બેંક સાથે જે કૌભાંડ કર્યું હતું તેમાં ઇડી દ્વારા જપ્ત કરાયેલી રૂ. ૨૫૬૫.૯૦ કરોડની સંપતિનું વેચાણ કરીને તેમાંથી નાણાં ઉભા કરવાની મંજૂરી આપી દીધી છે.

ઉલ્લેખનીય છે કે મેહુલ ચોક્સીએ તેના ભાણેજ નિરવ મોદી સાથે ભેગા મળીને પંજાબ નેશનલ બેંકની સાથે રૂ. ૧૪૦૦૦ કરોડનું જંગી કૌભાંડ કર્યું હતું, જેના પગલે તેઓની વિરુદ્ધમાં છેતરપિંડી, ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના આરોપ મૂકવામાં આવ્યા છે. ઇડી દ્વારા કોર્ટમાં મૂકવામાં આવેલી ચાર્જશીટમાં આ સંગઠિત કૌભાંડના માસ્ટર માઇન્ડ તરીકે મેહુલ ચોક્સીને દર્શાવવામાં આવ્યો છે.

મેહુલ ચોક્સી અને નિરવ મોદીએ ભેગા મળીને ભારત, દુબઇ અને અમેરિકામાં રહેતાં અનેક લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરીને તેઓને રાતા પાણીએ રોવડાવ્યા હતા.

ઇડી અને સીબીઆઇની ધોંસ વધી જતા નિરવ મોદી અને મેહુલ ચોક્સી દેશ છોડીને ભાગી ગયા હતા અને મેહુલ ચોક્સીએ ૨૦૧૭માં ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત એન્ટિગુઆ-બાર્બાડોઝનું નાગરિકત્વ લઇ લીધું હતુ અને ત્યારથી તે પોતાની ધરપકડ ટાળતો આવ્યો છે.

પંજાબ નેશનલ બેંકને રૂ. ૧૪૦૦૦ કરોડમાં નવડાવી નાંખવાના આ કૌભાંડમાં મુંબઇની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ પંજાબ નેશનલ બેંકના કર્મચારીઓ સાથે સાંઠગાંઠ કરવા બદલ કોર્ટે ૨૦૧૮માં મેહુલ ચોક્સી વિરુદ્ધ બિન-જામીનપાત્ર ધરપકડ વોર્ન્ટ જારી કર્યું છે.

મેહુલ ચોક્સીના પરિવારે ૧૯૬૦માં સોના-ચાંદી અને હિરાના દાગીનાનો વ્યવસાય શરૂ કર્યાે હતો અને જ્યારે મેહુલ ચોક્સીના હાથમાં આ વ્યવસાયનું સુકાન આવ્યુ ત્યારબાદ તેણે પોતાના બીઝનેસમાં ધરખમ પ્રગતિ કરી હતી અને પોતાના વ્યવસાયને કોર્પાેરેટ કંપનીમાં તબદીલ કરી નાંખ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.