Western Times News

Gujarati News

૮૯.૩૬ લાખના ખર્ચે ડેવલપ કરાશે મેમનગરનું વિવેકાનંદ તળાવ

પ્રતિકાત્મક

(એજન્સી)અમદાવાદ, શહેરમાં મેમનગર વિસ્તારમાં વિવેકાનંદ ચોક નજીક આવેલા તળાવની હાલત સાવ ખંડેર જેવી બની ગયા બાદ મ્યુનિ. સત્તાધીશોએ ૮૯.૩૬ લાખના ખર્ચે ડેવલપ કરવાનો નિર્ણય લીધો છે.

મ્યુનિ. રોડ કમિટી ચેરમેન જયેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, મેમનગર નગરપાલિકા પહેલાં ઔડા વિસ્તારમાં સમાવિષ્ટ હતી ત્યારે ઔડા દ્વારા મેમનગર વિવેકાનંદ ચોક પાસેના નાના તળાવને ડેવલપ કરવામાં આવ્યું હતું. તે સમયે તળાવ ફરતે વોક વે, તળાવની અંદર પરકોલેટીંગ વેલ, ફુવારા જેવું સ્ટ્રકચર તથા તળાવ ફકતે આકર્ષક કમ્પાઉન્ડ વોલ વગેરે કામ કરવામાં આવ્યા હતા.

સમયાંતરે મેમનગર પાલિકાનો મ્યુનિ. હદમાં સમાવેશ થયા બાદ ઈજનેર ખાતા દ્વારા તળાવની જાળવણી ઉપર ધ્યાન આપવામાં આવ્યું નહોતું અને ધીમે ધીમે તળાવ ફરતેની ચેઈન-લીંક ફેન્સીંગ તૂટી ગઈ છે. તળાવના અંદરના ભાગે લગાવાયેલા સ્ટોન ઉખડી ગયા અને ઝાડી ઝાંખરા ઉગી ગયા છે. વોક વેના પેવર બ્લોક પણ ઉંચા-નીચા થઈ જતાં ચાલવા આવતાં નાગરિકોને તકલીફ પડી રહી છે.

બહારના ભાગની કમ્પાઉન્ડ વોલ પણ તૂટી જવા પામી છે. તળાવમાં આવતા નાગરિકોની સુવિધા માટે બનાવાયેલા ટોઈલેટની હાલત પણ એટલી ખરાબ થઈ ગઈ છે કે તેનો કોઈ ઉપયોગ કરી શકે તેમ નથી. તળાવના રોડ સાઈડના ભાગે બહારથી ફૂટપાથ પણ દબાણોથી ગ્રસ્ત રહે છે. તેના કારણે ફૂટપાથને પણ નુકસાન થયેલું છે.

આમ વર્ષો સુધી ઉપેક્ષિત રહલાં તળાવને ડેવલપ કરવાનો નિર્ણય સ્થાનિક કોર્પોેરેટર અને સ્ટે.કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણીએ લીધો હતો અને તેના માટે ઈજનેર ખાતાને સૂચના આપી હતી તેના પગલે ઈજનેર ખાતાએ વિવેકાનંદ તળાવને રિપેરીંગ અને રિનોવેશન કરવા એન્જલ કોર્પોરેશન નામના કોન્ટ્રાક્ટનું ૮૯.૩૬ લાખનું સિંગલ ટેન્ડર મંજૂર કરી રોડ કમિટી સમક્ષ મૂકયું હતું.

ઈજનેર ખાતાએ તો ૯ર.૭૦ લાખનો અંદાજ મૂકી ટેન્ડર બહાર પાડયું હતું. પરંતુ કોન્ટ્રાક્ટરે મ્યુનિ.ના અંદાજ કરતાં ૩.૬૦ ટકા નીચા ચાવ ભર્યા હતા. આ ટેન્ડર મંજૂર થયા બાદ વિવેકાનંદ તળાવની અંદર સાઈડના સ્ટોન નવેસરથી લગાવવામાં આવશે, તેમજ ટો વોલ બનવાશે. વોક વેના પેવર બદલવાની સાથે બહારની સાઈડની ફૂટપાથ નવી બનાવાશે. તળાવ ફરતેની ચેઈન લિન્ક નવી લગાવાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.