Western Times News

Gujarati News

શરીરનું કદ નહીં પરંતુ માનસિક મજબૂતી મહત્વનીઃ ગાવસ્કર

દુબઈ, ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માના શરીરના કદ અંગે તાજેતરમાં થયેલી આકરી ટીકાનો ભારતના મહાન ક્રિકેટર સુનીલ ગાવસ્કરે વળતો પ્રહાર કરીને જવાબ આપ્યો છે.

ગાવસ્કરે મંગળવારે જણાવ્યું હતું કે પાતળી વ્યક્તિ મોડેલિંગ માટે જરૂરી છે પરંતુ ક્રિકેટની રમત માટે માનસિક તાકાત મહત્વની છે નહીં કે શારિરીક મજબૂતી અથવા તો શરીરનું કદ જરૂરી હોય છે.ચેમ્પિયન્સ ટ્રોફી ચાલી રહી છે ત્યારે જ વિવિધ રાજકારણીઓએ ભારતીય ટીમના કેપ્ટન પર આ પ્રકારની બિનજરૂરી કોમેન્ટ કરી છે.

આ અંગે જવાબ આપવાની સાથે સાથે ગાવસ્કરે મુંબઈના ક્રિકેટર અને હાલમાં ભારતીય ટેસ્ટ ટીમમાં રમી રહેલા સરફરાઝ ખાનનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે તેના શરીરનું કદ પણ મોટું છે પરંતુ તેની અસર તેની રમત પર કે બેટિંગ પર પડી નથી.

ગાવસ્કરે ઉમેર્યું હતું કે જો તમે પાતળો બાંધો ઇચ્છતા હો તો તમારે મોડેલિંગના ક્ષેત્રમાં જવું જોઇએ અને ત્યાંથી તમામ મોડેલની પસંદગી કરી લો પરંતુ આ ક્રિકેટ છે અહીં માનસિક મજબૂતી અગત્યની હોય છે.તમે ક્રિકેટ કેટલું સારી રીતે રમી શકો છો તેની ઉપર આધાર છે.

આપણે સરફરાઝ ખાનની વાત કરીએ તો તે લાંબા સમય સુધી આ અંગે પરેશાન હતો પરંતુ તેણે ભારત માટે ટેસ્ટ મેચમાં ૧૫૦+નો સ્કોર કર્યાે અને ત્યાર બાદ બે-ત્રણ અડધી સદી પણ ફટકારી હતી.

જો તે આ રીતે રમી શકતો હોય તો સમસ્યા કયાં છે? મને નથી લાગતું કે શરીરના કદને સારા ક્રિકેટર સાથે કોઈ લેવાદેવા હોય. તમે માનસિક રીતે કેટલા મજબૂત છો અને રમતના મેદાન પર કેટલા ટકી શકો છો અથવા તો સ્ફૂર્તિ દાખવો છો તે મહત્વનું હોય છે.

સારી હેટિંગ કરો, લાંબા સમય સુધી બેટિંગ કરો અને રન ફટકારો આટલું પર્યાપ્ત છે તેમ ભારતના મહાન બેટ્‌સમેને ઉમેર્યું હતું.અગાઉ કોંગ્રેસના પ્રવક્તા શમા મોહમ્મદે ભારતીય કેપ્ટન રોહિત શર્મા ‘રમતગમત માટે જાડીયો છે’ તેવી કોમેન્ટ કરી હતી અને રોહિતને ભારતના સૌથી બિનપ્રભાવશાળી કેપ્ટન તરીકે ગણાવ્યો હતો.

જોકે આ કોમેન્ટ બાદ ભારતમાં સોશિયલ મીડિયામાં તેમનો ભારે વિરોધ થયો હતો જેને પરિણામે તેમણે ઠ પરથી તેમની કોમેન્ટ ડીલીટ કરી દેવી પડી હતી. કોંગ્રેસે જોકે આ મામલાથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું અને શમાની આ કોમેન્ટને તેમની અંગત કોમેન્ટ હોવાનું જાહેર કર્યા બાદ તેને ડીલીટ કરવાનું કહ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.