Western Times News

Gujarati News

મનોદિવ્યાંગ બાળકોએ કર્યું કલાત્મક રાખડી બનાવવાનું કામ

Mentally challenged children did artistic rakhi making

૬૦ મનોદિવ્યાંગોને આશ્રય આપી આત્મનિર્ભર બનાવવા પ્રયાસ-માનસિક ક્ષતિવાળા બાળકોના ગૃહમાં આશ્રિત મનોદિવ્યાંગોને હુંફ, પ્રેરણા, સુશ્રૂષા અને સારવાર આપી કરાવાઇ છે વિવિધ પ્રવૃત્તિ

આલેખન – કાકુલ ઢાકીઆ

વડોદરા, રામજાને ભૈયાજી ! અહીં આવો, આવો સાદ પડતા મોટી ઉંમરની વ્યક્તિ તમારી પાસે આવે અને નાના બાળકની જેમ તમને ભેટી પડે તો તમે એકદમ આશ્ચર્યમાં મૂકાઇ જશો. બીજી પળે એ પણ ખ્યાલ આવી જશે કે એ વ્યક્તિની બુદ્ધિક્ષમતા ઓછી છે.

એટલે જ ઉંમરના હિસાબે વાણી અને વ્યવહાર નાના બાળક જેવા છે. આવું એક બાળક પણ હોય તો તેમના લાલનપાલનમાં માતાપિતાએ બહુ તકેદારી રાખવી પડે છે. પણ, અહીં આવા ૬૦ જેટલી વ્યક્તિની વાત છે. રાજ્ય સરકાર દ્વારા સંચાલિત માનસિક ક્ષતિવાળા બાળકોના ગૃહની છે. શિષ્ટ સમાજ દ્વારા તરછોડાયેલા મનોદિવ્યાંગોને અહીં આંખોનું રતન બનાવી રાજ્ય સરકાર દ્વારા આજીવન જતન કરવામાં આવે છે.

સામાન્ય માણસનો બુદ્ધિક્ષમતાનો આંક ૮૦થી ૧૨૦ જેટલો હોય છે. પણ, જો ઉંમર વધવાની સાથે બુદ્ધિક્ષમતાનો આંક ૫૦થી નીચે રહે તો તે વ્યક્તિ બાળબુદ્ધિ જ રહી જાય છે. કુદરતના આવા અભિશાપને કારણે કેટલાક નિષ્ઠુર માતાપિતા આવા બાળકને તરછોડી દે છે અથવા તો આવી કેટલીક વ્યક્તિ ભટકીને ખોવાઇ જાય છે. આવા બાળકોને આશ્રય રાજ્ય સરકાર આપે છે. માનસિક ક્ષતિવાળા બાળકોના બે આશ્રયસ્થાન રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. એક વડોદરા અને બીજું ગૃહ રાજકોટમાં છે.

રાજ્ય સરકાર દ્વારા આ બાળકોની (અહીં બાળક શબ્દને ઉંમર સાથે બાધ નથી) જે રીતે સંભાળ રાખવામાં આવે છે, તે જાણી તમને આશ્ચર્ય સાથે સંતોષ પણ થશે. આવા બાળકોની સંભાળમાં વિશેષ તકેદારી રાખવી પડે છે. જેમ કે, કારેલીબાગમાં આવેલા આ ગૃહમાં એક બાળક હાયપર એક્ટિવ છે. તે થોડી થોડી વારે આ બાળક પોતાનું માથું કે શરીર દિવાલ સાથે ભટકાડી નાખે ! તેની પર સતત નિરીક્ષણ રાખવું પડે છે.

આ દરેક બાળકોનો મેન્ટલ હોસ્પિટલ, કારેલીબાગ ખાતે IQ ટેસ્ટ કરાવીને તેમનું સારવાર અર્થે વ્યક્તિગત પ્લાનિંગ કરવામાં આવે છે. ૩૪ બાળકોના માં – કાર્ડ કરાવેલ છે તો ૧૨ બાળકોના બેન્ક એકાઉન્ટ પણ ખોલવામાં આવ્યા છે. પોતાની મૂળ દુનિયાથી અજાણ એવા આ બાળકો માટે આ સંસ્થા તેમને કૌટુંબિક ખોટ ના વર્તાય એ હેતુથી  દરેક ધર્મના તહેવારોની ઉજવણી કરે છે.

અહીં આ તમામ બાળકોને કોમ્પ્યુટર, લેખન, નંબર ઓળખવા, સંગીત, નૃત્ય, ક્રાફ્ટ અને ઈનડોર /આઉટડોર સ્પોર્ટ્સ માટે પણ પ્રોત્સાહિત કરાય છે. વધુમાં તો અસામાન્ય મનાતા આ બાળકોએ તો ખેલ મહાકુંભ, ખેલોત્સવ, મેરેથોન, નવરાત્રી વગેરેમાં ભાગ લઈને સ્પર્ધાઓ જીતીને મેડલ પણ હાંસલ કર્યા છે.  હવે તમે જ વિચારો આવા બાળકો કે જેઓ પોતાની સાથે સંસ્થાનું પણ નામ રોશન કરતા હોય તેઓ પોતાના માં – બાપ માટે બોજારૂપ કઈ રીતે બની શકે…!

અહીં દાખલ થયા બાદ આ બાળકો માટે તેમને અનુકૂળ હોય એવુ સમયપત્રક પણ અનુસરવામાં આવે છે. હવા – ઉજાસવાળા ઓરડાઓ, મૈત્રીપૂર્ણ વ્યવહાર, રોજિંદી જરૂરિયાતને અનુલક્ષીને ઘણી સુવિધાઓ સાથે આ બાળકોની આરોગ્ય અંગેની થતી નિયમિત તપાસ સારવાર સાથે સવાર – સાંજ પૌષ્ટિક આહાર, દૂધ – નાસ્તાથી લઈને વ્યક્તિગત ધ્યાન રાખવામાં આવે છે.

જે બાળકોની બુદ્ધિક્ષમતા ખુબ જ ઓછી હોવાથી તેઓ પોતે કંઈપણ કરવા સક્ષમ નથી તો તેઓને શૌચક્રિયા થી લઈને ખવડાવવા-નવડાવવા -કપડાં પહેરાવવાની જવાબદારી પણ વગર સંકોચે આ સેવાભાવી કાર્યકરો કરી રહ્યા છે. તો કોઈ બાળકો એવા પણ છે જેઓ અન્ય બાળકો કરતા થોડું વધુ સમજી શકતા હોય તેઓ માટે અહીં વ્યવસાયિક તાલીમ આપી આત્મનિર્ભર બનાવવાના સફળ પ્રયાસો પણ થાય છે.

જેમ કે, ફાઈલ, મીણબત્તી, બોક્ષ, રાખડી, દિવા, તોરણ, મોબાઈલ કવર, કી ચેન બનાવવા ઉપરાંત છોડ ઉછેરવા, કલર કરવું, ભરતકામ કરવું જેવા કાર્ય થકી સન્માનભેર જીવતા શીખવે છે. આ બાળકો સતત કોઈ ને કોઈ પ્રવૃત્તિમાં પરોવાયેલા હોવાથી એમને ગમતું કાર્ય મળી જવાના સંતોષ સાથે વ્યસ્ત રહી સમય પસાર કરી રહ્યાં છે.

સંસ્થામાં પોતાનો સંપૂર્ણ સમય ફકત આ જ બાળકો પાછળ વિતાવનાર તુષારભાઈ કહે છે કે, અમે થોડા થોડા સમયના અંતરે બાળકોને પ્રવાસ, પીકનીક અર્થે ફરવા પણ લઇ જઈએ છીએ. અને એમના નામ પણ અમે જ રાખીએ છીએ, તેમજ દર મહિને એમની ખુશી માટે ૫ બાળકોનો જન્મદિવસ પણ ઉજવીએ છીએ,જેથી એમને મનોરંજનની સાથે હવા ફેર અને માનસિક સંતોષ પણ મળી રહે.અહીં હાલ ૨૧ જણનો સ્ટાફ છે. જેમાં ક્વોલિફાયર ટીચર્ચ, કેર ટેકર આ બાળકોને ખુબ જ પ્રેમથી અને હૂંફભર્યું વાતાવરણ ઊભું કરી સંભાળ રાખે છે.

અઠવાડિયામાં ૨ વાર ફિઝિયોથેરાપી અને મનોચિકિત્સકની મુલાકાત થતી હોય છે. દિવસે ત્રણ અને રાત્રે બે કેર ટેકર હાજર રહે છે. મોટાભાગના બાળકોનો આઇક્યુ ૪૦ થી ૬૦ ની વચ્ચે છે. એક એવો બાળક કે જેના હાથ – પગ બન્ને કામ જ નથી કરતા એવો ફકત ૬-૭ વર્ષનો બાળક કાલુપુર સ્ટેશન, અમદાવાદથી ૩ વર્ષ પહેલાં મળી આવ્યો હતો, હાલમાં એ બાળકની ઉંમર લગભગ ૧૧ વર્ષની છે. એને જોતાં જ દયા આવી જાય એવી સ્થિતિમાં મળ્યું હતું એ. પણ અહીં લાવ્યા પછી અમે એની તબીબી ચકાસણી, સારવાર, દવાઓ અને થેરાપી વડે પહેલાં કરતાં વધુ તો નહીં પણ થોડો સુધાર તો લાવી શક્યા છીએ. દરેક બાળકને અમે અમારા બાળકોની જેમ જ સાચવીએ છીએ. માનસિક સ્થિતિ સારી ન હોવાના કારણે ઘણા બાળકો ૧૮ થી વધુ વર્ષની ઉંમરના યુવાન હોવા છતાં તેઓને  નાના બાળકની જેમ સાચવવા પડતા હોય છે.તેઓને પોતાને જ ખબર નથી હોતી કે એમનું ઘર, માં – બાપ કોણ અને ક્યાં રહે છે? તેમનું નામ શું છે?.

જી.એ.સી.એલ. એજ્યુ. સોસા. દ્વારા અહીં સફાઈ કામદાર, વોચમેન, રસોઈયા, નર્સ, વિઝિટિંગ ડોક્ટર, ફિઝિયોથેરાપીસ્ટ, હાઉસ ફાધર, વોકેશનલ ટ્રેનર, સ્પેશ્યલ શિક્ષકોની નિમણુંક કરીને એમને અલગ અલગ જવાબદારી આપી છે. આ સંસ્થામાં સ્વચ્છતાને પ્રાથમિકતા આપવામાં આવી છે, જેથી દરેક બાળક સ્વસ્થ રહે.

નિયમિત રીતે અને જરૂરિયાત મુજબ દવાઓના ડોઝ પણ તબીબી સલાહ મુજબ આપવામાં આવે છે. આમ પ્રાથમિક સારવાર સંસ્થામાં જ મળી રહે છે.રમત ગમત, યોગ અને ફિઝિયોથેરાપીની મદદથી બાળકોમાં જરૂરી દિનચર્યામાં નિયમિતતા આવી છે.વોકેશનલ તાલીમ થકી બાળકોમાં છુપાયેલ કૌશલ્યતાને બહાર લાવવાનો સફળ પ્રયાસ પણ કરવામાં આવે છે. આશ્રય લેનાર દરેક બાળક સામાન્ય અભ્યાસ કરી શકે એ હેતુથી અલગ અલગ ઓરડાઓ ફાળવીને તેમને અનુરૂપ તાલીમ આપવામાં આવે છે.

ટેક્નોલોજીના સંપર્કમાં રહે તે હેતુથી વિડિઓ ગેમ (ટચ સ્ક્રીન થકી) અને કોમ્પ્યુટરની તાલીમ અપાય છે.આ દરેક બાબતો પર દેખરેખ રાખી શકાય એ હેતુથી સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.

આ સંસ્થા સમાજ સુરક્ષા દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ હેઠળ ગુજરાત આલ્કાઇઝ એન્ડ કેમિકલ એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત સંસ્થા છે. આ સંસ્થા વર્ષ ૨૦૦૦ માં કારેલીબાગમાં શરૂ થઇ હતી,જેને અત્યારે પુરા ૨૨ વર્ષ પૂર્ણ થયેલ છે. માળખાકીય,શૈક્ષણિક અને વ્યવસાયિક અને પ્રાથમિક સુવિધાઓ સાથે બાળકોના બૌદ્ધિક વિકાસને અગ્રીમતા આપવામાં આવે છે. સ્પીચ,ઓક્યુપેશનલ /સેન્સરી થેરાપી થકી તબીબી સારવાર આપવામાં આવે છે.

રક્ષાબંધનના આગામી પર્વને અનુલક્ષીને આ બાળકો કલાત્મક રાખડીઓ બનાવી રહ્યા છે. પોતાની ધૂનમાં મસ્ત રહી આ બાળકોને એક વાર શીખવ્યા બાદ ધીમેધીમે આ રાખડીઓ બનાવતા જાય છે. આગામી રક્ષાબંધનના પર્વમાં આવા બાળકો દ્વારા નિર્મિત રાખડી ખરીદી કરવી એ પણ પર્વની સારી રીતે ઉજવણી સમાન છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.